જાણીતા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીની રણનીતિની બ્લુપ્રિન્ટ રજૂ કરી હતી. પાર્ટી તેમના દ્વારા રજૂ કરાયેલી યોજના પર વિચારણા કરવા માટે નેતાઓનું એક નાનું જૂથ બનાવશે, જે એક સપ્તાહની અંદર તેનો રિપોર્ટ સોનિયા ગાંધીને સોંપશે.
2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ રજૂ કરી
પ્રશાંત કિશોરની કોંગ્રેસના નેતાઓ સાથેની બેઠક બાદ પાર્ટીના સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘પ્રશાંત કિશોરે 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ અંગે કોંગ્રેસ અધ્યક્ષને વિગતવાર રજૂઆત કરી હતી, તેમણે જે યોજના રજૂ કરી છે તેના પર પાર્ટીના એક જૂથ દ્વારા વિચારણા કરવામાં આવશે અને એક સપ્તાહની અંદર કોંગ્રેસ અધ્યક્ષ ને તેનો રિપોર્ટ સબમિટ કરો ત્યાર બાદ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, કે.સી. વેણુગોપાલ, વરિષ્ઠ નેતાઓ અંબિકા સોની, મલ્લિકાર્જુન ખડગે અને અન્ય કેટલાક નેતાઓએ હાજરી આપી હતી.
પ્રશાંત કિશોર સંભાળશે ગુજરાત કોંગ્રેસની કમાન
2022 વિધાનસભાની ચૂંટણીનું મોટું અપડેટ સામે આવી રહ્યું છે. પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસનું કેમ્પેઇન કરશે. પ્રશાંત કિશોરને લઇને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ લીલીઝંડી આપી છે. પ્રશાંત કિશોર અંગે ફાઈનલ નિર્ણય અંતે થઇ ગયો છે. પ્રશાંત કિશોરના ગુજરાત કોંગ્રેસ માટે કામ કરવાને લઈ બેઠક પૂર્ણ થઇ છે. દિલ્હીમાં 10 જનપથ ખાતે કોગ્રેસના સિનિયર નેતાઓની બેઠકમાં નિર્ણય લેવાયો છે.
પ્રશાંત કિશોરની એન્ટ્રીથી નરેશ પટેલની પણ કોંગ્રેસમાં એન્ટ્રી નક્કી
બીજી તરફ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાતને લઇને પણ મોટા સમાચાર મળી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પ્રશાંત કિશોરની એન્ટ્રીથી નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી નક્કી છે. મહત્વનું છે કે, ગુજરાત બહાર નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની પણ બેઠક થઇ ચૂકી છે. નરેશ પટેલ સત્તાવાર આ વાત પણ સ્વીકારી ચુક્યા છે