ગુજરાતના કચ્છ જિલ્લામાં સોમવારે સવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જો કે હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધવામાં આવી હતી.
ISRએ તેના નવીનતમ અપડેટમાં જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 7:35 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર કચ્છ જિલ્લાના ભચાઉ શહેરથી લગભગ 10 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વ (NNE)માં હતું.
કચ્છ જિલ્લો અતિ જોખમી ધરતીકંપના ક્ષેત્રમાં આવેલો હોવાનું કહેવાય છે અને અહીં હળવા આંચકાઓ નિયમિતપણે બનતા રહે છે.
મોટા મોટા ધરતીકંપો સમયાંતરે થાય છે
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) અનુસાર, રાજ્યમાં ધરતીકંપનું જોખમ વધારે છે અને 1819, 1845, 1847, 1848, 1864, 1903, 1938, 1956 અને 2001માં મોટી ઘટનાઓ જોવા મળી હતી.
2001નો કચ્છ ભૂકંપ છેલ્લી બે સદીઓમાં ભારતમાં ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ હતો, જેમાં 13,800 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા.