શિયાળાની ગુલાબી ઠંડીએ પોતાનો અસલ મિજાજ બતાવવાનું રવિવારથી શરૂ કરી દીધું હોય તેમ એક જ રાતમાં પર્યટક સ્થળ માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન ૩.૬ ડિગ્રી ગગડીને ૨.૪ ડિગ્રી નોંધાયું હતું જેના લીધે લોકોએ શિયાળાની અસલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો.
માઉન્ટઆબુના મુખ્ય આકર્ષણ નકી લેકમાં પાર્ક કરેલી હોડીઓની સીટ પર પણ બરફ જામી ગયો હતો. વહેલી સવારે ઝાકળ અને ભેજના કારણે આબુમાં હરફની આછી ચાદર છવાઈ હતી. જોકે, સ્થાનિકોના મતે આ સીઝનમાં પહેલીવાર આબુમાં હરફની છારી જોવા મળી છે. એટલે કે હવે માઉન્ટ આબુમાં શિયાળાની ધમાકેદાર એન્ટ્રી થાય તેવી વકી છે.
જોકે, એક જ રાતમાં 3.6 ડિગ્રી તાપમાનમાં ઘટાડા સાથે રવિવારે લઘુતમ તાપમાન 2.4 નોંધાતા પર્યટક સહિત સ્થાનિક નગરજનોએ શિયાળાની ગુલાબી હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. માઉન્ટ આબુમાં લઘુતમ તાપમાન સિઝનમાં પ્રથમ વખત સૌથી નીચું નોંધાતા ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલા વાહનો સહિત બાગ બગીચાઓમાં બરફ્ની છારી બાજી ગઈ હતી અને લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ વસ્ત્રો સહિત તાપણાનો આશરો લીધો હતો.
આબુમાં તાપમાનનો પારો ગગડતા મોડી રાત્રે ગાડીઓ પર બરફની ચાદર છવાઈ હતી. સ્થાનિકોએ ફૂટપટ્ટી અને સૂપડીની મદદથી બરફની છારી કાઢી હતી. આ મોસને ઉજવવા માટે ગિરિમથકમાં દૂરદૂરથી સહેલાણીઓ પણ ઉમટી પડ્યા હતા.
રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયુ છે.અને નલિયાનુ લઘુતમ તાપમાન 8.2 ડિગ્રી નોંધાયુ છે. રાજ્યના સીમાડે આવેલા ગિરિમથક માઉન્ટઆબુમાં ઠંડીનો પારો ગગડતા તાપમાન 2 ડિગ્રીએ પહોંચ્યું છે. આબુમાં ઠંડીનો પારો ગગડતા સિઝનમાં પહેલી વાર બરફની ચાદર છવાઈ છે.
રાજ્યમાં અમદાવાદ અને ડીસા, રાજકોટ, ભૂજ અને સુરેન્દ્રનગરનું લઘુત્તમ તાપમાન પણ ગગડ્યું છે. ડીસામાં તાપમાનનો પારો 12.5 ડિગ્રી, અમદાવાદમાં 14.3 ડિગ્રી, રાજકોટ 13.3 ડિગ્રી, ભૂજ 13.3 ડિગ્રી, સુરેન્દ્રનગર 13.1 ડિગ્રી, ગાંધીનગર અને સુરત 17 ડિગ્રી તેમજ વડોદરાનું તાપમાન 16. ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.