હાલ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભા સત્ર દમિયાન જેતે વિસ્તારના વિધાનસભ્યો પોતાના વિસ્તારમાં નાગરીકોને સ્પર્શતા પ્રશ્નો સરકાર સમક્ષ મુકે છે. કચ્છના તમામ છ વિધાનસભ્યો પ્રજાની સમસ્યાઓને અવગણીને માત્ર ઔપચારિકતા પૂરી કરવા ખાતર પ્રશ્નો પૂછી રહ્યા હોય એવું તેમણે પુછેલા પ્રશ્નો પરથી જણાય છે.
કચ્છ જીલ્લાના પ્રાણ પ્રશ્નને બદલે સાવ સામાન્ય પ્રકારના પ્રશ્નો વિધાનસભ્યો પૂછીએ રહ્યા છે. એવા પ્રશ્નો જેનો જવાબ જિલ્લા કચેરી લેવલે પણ મળી રહે. હદ તો ત્યારે થઈ હતી જયારે એક જ દિવસે એક જ પ્રશ્ન વિધાનસભ્યોએ બે થી ત્રણ પૂછ્યો. છેલ્લા ત્રણ દિવસમાં કચ્છના આ તમામ વિધાનસભ્યએ એક પણ શબ્દ કે વાક્ય બદલ્યા વિના કોપી-પેસ્ટ તારાંકિત પ્રશ્ન પૂછ્યા હતા. ભાજપના કાર્યકરો પણ વિધાનસભ્યો દ્વારા પૂછવામાં આવેલા બિબાઢાળ પ્રશ્નો અંગે ટીકા કરી રહ્યા છે.
કચ્છનાં ત્રણ વિધાનસભ્ય કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા અને માલતીબેન મહેશ્વરીએ એક જ પ્રશ્ન પૂછ્યો હતો. ‘ગુજરાત સરકારની કુંવરબાઈના મામેરા યોજના હેઠળ કચ્છમાંથી કેટલી અરજીઓ આવી છે? અને તેમાંથી કેટલી અરજીઓ મંજૂર થઈ છે? તથા કેટલી સહાય ચૂકવવામાં આવી છે?’. આ પ્રશ્નનો જવાબ તેઓ ભુજમાં આવેલી સમાજકલ્યાણ કચેરી કે કલેકટર કચેરીમાંથી પણ મેળવી શકે છે.
‘કચ્છમાં ગ્રાન્ટેડ શાળા વર્ગ વધારવાની અરજી’ અંગેનો પ્રશ્ન અંજારના વિધાનસભ્ય ત્રિકમ છાંગા અને માંડવીનાં MLA અનિરુદ્ધભાઈ દવે બંનેએ પૂછ્યો હતો. આ પ્રશ્નનો જવાબ ભુજની DEO ઓફિસમાંથી પણ મળી શકે.
‘ટિસ્યુ કલ્ચર ખારેક વાવેતર માટે શું પ્રોત્સાહન આપવામાં આવે છે? અને કેટલા લોકોએ તેનો લાભ લીધો?’ તેવો પ્રશ્ન બે વિધાનસભ્ય અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા અને અંજારના ત્રિકમ છાંગાએ ઉઠાવ્યો હતો.
બીજી બાજુ કચ્છથી ના હોવા છતાં કોંગ્રેસના યુવા વિધાનસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કચ્છમાં થઈ રહેલી ખનિજ ચોરી અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. ત્યારે વિધાનસભામાં કચ્છનું પ્રતિનિધિત્વ કરી રહેલા ભાજપની ટીકીટ ઉપર ચુંટાઈ આવેલા તમામ છ વિધાનસભ્યને નીચું જેવા પણું થયું છે.