વર્ષ 2017 ની ચુંટણી બાદ કોંગ્રેસમાં જોડાયા ત્યારે હાર્દિક પટેલનું કોંગ્રેસી કાર્યકર્તાઓમાં જે માન હતું તે હવે ધીરે ધીરે ઓસરી રહ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી હાર્દિક કોંગ્રેસ સામે બાંયો ચડાવીને ઊભો છે, અને સામે કોંગ્રેસના મોટા નેતાઓમાં તેને લઈને ખાસ હલચલ જોવા મળતી નથી, ત્યારે હાર્દિક પોતાની રાજકીય કારકિર્દીમાં કઈક નવા જૂની કરે તો કંઈ કહેવાય નહી.
વર્ષ 2017 ની ચુંટણી વખતે કોંગ્રેસને હાર્દિક પટેલે જે સાથ આપ્યો હતો, તે ગુજરાત કોંગ્રેસ માટે ખૂબ જ ફળદાયી રહેલો, ગુજરાતમાં ખૂબ જ મજબૂત પકડ ધરાવતી સત્તાધારી ભાજપનો એક સમયે જીત માટે જીવ તાળવે ચોંટી ગયેલા.
ચુંટણી બાદ હાર્દિક પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયો, સાથે અનેક સાથીઓને લઈ ગયો, પ્રદેશ કોંગ્રેસમાં ઊંચા પદો આપીને હાર્દિકને કોંગ્રેસે ખૂબ માથે ચડાવ્યો, પણ હવે કઈક અજુગતું થઈ રહ્યું છે.
જરા વિચારીયે કે વર્ષ 2015 માં થયેલ પાટીદાર આંદોલનમાં હાર્દિકની એક હાંકલથી આખોય પાટીદાર સમાજ રસ્તાઓ પર ઉતરી જતો હતો, આ ખૂબ મોટી વાત હતી, એક સમયે ગુજરાતનો આખો પાટીદાર સમાજ હાર્દિક પાછળ ચાલ્યો જતો, અને હવે પરિસ્થિતિ એવી દેખાય છે કે કોંગ્રેસમાં જ હાર્દિક પટેલની ગેમ રમાઇ રહી છે, કોંગ્રેસમાં જઈને પાટીદાર સમાજ હાર્દિક પટેલથી દૂર થયો અને હવે કોંગ્રેસ પણ ધીરે ધીરે હાર્દિકથી છૂટતી જાય છે.
આવા સમયે હવે જો હાર્દિક પટેલ ભાજપમાં જાય તો પણ ત્યાં કોઈ મેળ પડવાનો નથી તેવું દેખાઈ રહ્યું છે, ભાજપના અમુક સિનિયર નેતાઓ હાર્દિક પટેલ ભાજપમાં આવે તેવું ઇચ્છતા નથી તે સ્પષ્ટ છે, બીજું કે પાટીદાર સમાજના ભાજપી યુવા નેતાઓ વર્ષોની મહેનત કરીને આગળ આવ્યા હોય અને સામે હાર્દિક પટેલ ડાયરેક્ટ એન્ટ્રી કરીને ભાજપના કોઈ ઊંચા પદ પર બેસી જાય તેવુ લગભગ અશક્ય છે.
ઉપરાંત 2017 ની ચુંટણીમાં રાજ્યની અમુક પાટીદાર સમાજના પ્રભુત્વ ધરાવતી બેઠકો પર હાર્દિક પટેલની અસર હતી, પણ હવે તેમાં કોઈ માલ નથી, એટલે ભાજપને હાર્દિકનું કોઈ ખાસ કામ છે નઈ તેવું દેખાઈ આવે છે.
બીજી તરફ હજી તો માંડ પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરતાં હાર્દિક પટેલ જીવનની પહેલી ચુંટણી જીતવાના અભરખા સેવી રહ્યા છે,
માન હતું, નામ હતું ત્યારે ચુંટણી લડી શકે તેમ નહતો, અને હવે જ્યારે ચુંટણી લડવાનો સમય આવ્યો ત્યારે ના ઘરનો ના ઘટનાઓ થઈને પડી રહ્યો છે…. હવે જોવું રહેશે કે હાર્દિક પટેલ તેના કયા રાજનૈતિક આકા સાથે મળીને રાજકીય સફર શરૂ કરે છે.