Bridge Collapse લાંબા સમયથી અવગણાતા પુલોની હાલતનું હવે નિરીક્ષણ શરૂ
Bridge Collapse ગંભીરા બ્રિજની દુર્ઘટનાએ તંત્રને ચેતવણી આપી છે. 9 જુલાઈની સવારે મહીસાગર નદી પરનો 40 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી થતાં 20 નાગરિકોનો ભોગ લેવાયો હતો. આ પછી રાજ્યભરના પુલોની સ્થિતિ તપાસવા તંત્ર હરકતમાં આવ્યું છે.
વલસાડમાં 5 પુલ પર પ્રતિબંધ
વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે પરના નીચેના પુલો પર ભારે વાહનોની અવરજવર તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઈ છે:
વલસાડ-લીલાપોર પુલ
વાપી નજીક દેગામ ખાડી પુલ
કોકલ નદી પુલ
કરંજવેરી પુલ (ધરમપુર પાસે)
તાન નદી પુલ
વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે. નાનાપોંઢા નજીકના વડખંભા પુલને ‘સ્ટેબિલિટી ચેક’ સુધી બંધ રાખવામાં આવ્યો છે.
ચેકિંગના આદેશ
સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર દ્વારા તમામ પુલોની તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. નર્મદા કેનાલ નજીકના તમામ પુલોનું સ્ટ્રક્ચરલ ચેકિંગ કરવા અને 3 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા સૂચના અપાઈ છે.
દુર્ઘટનાની પૃષ્ઠભૂમિ
9 જુલાઈના રોજ સવારે 7:30 વાગ્યે મહીસાગર નદી પર આવેલો ગંભીરા પુલ તૂટી પડ્યો હતો. તેમાં 3 ટ્રક, રિક્ષા, ઈકો કાર, પિકઅપ વાન અને 2-3 બાઇક્સ સાથે નદીમાં ખાબકી હતી. એક કાર નીચે દબાઈ ગઈ હતી. ઘટનામાં 20 લોકોનાં મોત થયા છે અને rescue ઓપરેશન હજુ ચાલુ છે.

જવાબદારી કે માત્ર કાર્યવાહીનો દેખાવ?
અત્યાર સુધી ન તો આવા પુલોની રક્ષણની યોગ્ય વ્યવસ્થા કરાઈ હતી, ન તો સમયસર ફિટનેસ ટેસ્ટ. દુર્ઘટના બાદ સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે અને મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. અત્યાર સુધીમાં 4 એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તેથી સવાલ ઊઠે છે – શું તંત્રને આ જોખમી પુલો પહેલાંથી દેખાતા નહોતા? શું ગંભીર દુર્ઘટનાની રાહ જોઈ રહી હતી કે પછી હવે ફક્ત રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી થઈ રહી છે?