Adani Group: ગૌતમ અદાણીને આંધ્રપ્રદેશમાંથી મળી રાહત, ચંદ્રાબાબુ નાયડુએ આપ્યો મોટો ખુલાસો
Adani Group: ગૌતમ અદાણીના અદાણી ગ્રુપને આંધ્રપ્રદેશ સરકાર તરફથી રાહત મળી છે. મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અદાણી જૂથ સામેના આરોપો અંગે નક્કર પુરાવાઓ સામે નહીં આવે ત્યાં સુધી રાજ્ય સરકાર તેમની સામે કોઈ પગલાં લેશે નહીં. વિજયવાડામાં પત્રકારો સાથે વાત કરતા નાયડુએ કહ્યું કે જ્યાં સુધી આરોપો સાબિત ન થાય ત્યાં સુધી ગ્રુપ કંપનીને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાંથી ખસી જવાનો સવાલ જ ઊભો થતો નથી. જો આમ કરવામાં આવશે તો રાજ્ય સરકારને ભારે દંડનો સામનો કરવો પડી શકે છે.
Adani Group અહેવાલ મુજબ, મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર પાસે પૂરતા પુરાવા નથી અને જ્યાં સુધી તે પુરાવાની પુષ્ટિ નહીં થાય ત્યાં સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવશે નહીં. ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું, “અમને વધુ પુરાવાની જરૂર છે અને તે મળ્યા પછી જ કોઈ નિર્ણાયક પગલાં લેવામાં આવશે.”
અગાઉ, નવેમ્બર 2024 માં, અહેવાલ આવ્યો હતો કે
આંધ્ર પ્રદેશ સરકાર અદાણી ગ્રીન એનર્જી સંબંધિત પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) ને હોલ્ડ પર રાખવાનું વિચારી રહી છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે અદાણી ગ્રૂપ અને તેના ચેરમેન ગૌતમ અદાણી પર લાંચ લેવાનો આરોપ મૂક્યો હતો, જે હેઠળ સોલાર પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે સરકારી અધિકારીઓને લાંચ આપવામાં આવી હતી.
આ વિવાદમાં અદાણી ગ્રીન એનર્જી અને એઝ્યુર પાવર નામની કંપનીઓના નામ સામે આવ્યા હતા, જેમણે 2021-2022 દરમિયાન અધિકારીઓને 265 મિલિયન ડોલરની લાંચ આપી હોવાનો આરોપ છે. આ બાબતને કારણે આંધ્ર પ્રદેશ સરકાર સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે કરવામાં આવેલ પાવર પરચેઝ એગ્રીમેન્ટ રદ કરવાના વિકલ્પ પર વિચાર કરી રહી હતી, પરંતુ હજુ સુધી રાજ્ય સરકારે આ અંગે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી.