ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (International Monetary Fund) ના વડાએ ગુરુવારે આગાહી કરી હતી કે વર્ષ 2023 માં વિશ્વ અર્થતંત્રનો વિકાસ દર 3 ટકાથી ઓછો રહેશે, જેનાથી વૈશ્વિક સ્તરે ભૂખમરો અને ગરીબીનું જોખમ વધી રહ્યું છે.
આઈએમએફ (IMF) ના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ જણાવ્યું કે, આગામી 5 વર્ષમાં વૈશ્વિક વૃદ્ધિ દર 3 ટકાની આસપાસ રહેવાનો અંદાજ છે. તેમણે જણાવ્યું કે, 1990 પછી આ અમારું સૌથી નીચું મધ્યમ ગાળાના વિકાસનું અનુમાન છે. ધીમી વૃદ્ધિ એ ગંભીર ફટકો હશે, જે ઓછી આવક ધરાવતા દેશો માટે મુશ્કેલીમાં વધારો કરશે.
વિશ્વ પર મંડરાઈ રહ્યો છે ‘ગરીબી અને ભૂખમરા’નો ખતરો
ગયા વર્ષે વૈશ્વિક અર્થતંત્રનો વિકાસ દર 3.4 ટકા રહ્યો છે. જ્યોર્જિવાએ ચેતવણી પણ આપી હતી કે, વૈશ્વિક વૃદ્ધિ ધીમી થવાથી ગરીબી અને ભૂખમરો વધી શકે છે, જે કોવિડ સંકટના કારણે પહેલાથી જ એક મોટો પડકાર છે. તેમણે તેને ખતરનાક ટ્રેન્ડ ગણાવ્યો.
આગામી અઠવાડિયે થશે આઈએમએફ અને વર્લ્ડ બેંકની બેઠક
મેરિડિયન-પોલિટિકો (Meridian-Politico) મેરિડિયન-પોલિટિકોમાં એક કાર્યક્રમ દરમિયાન ક્રિસ્ટાલિના જ્યોર્જીએવાનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે IMF અને તેની લેન્ડિંગ એજન્સી વર્લ્ડ બેંક આવતા અઠવાડિયે વોશિંગ્ટનમાં બેઠક યોજાવવાની છે. આ બેઠકમાં વિશ્વભરના નીતિ નિર્માતાઓ વૈશ્વિક અર્થવ્યવસ્થા વિશે ચર્ચા કરવાના છે. ભારત તરફથી આરબીઆઈના ગવર્નર બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. જ્યારે ફુગાવો ચરમસીમાએ છે અને વ્યાજ દરો આસમાને છે ત્યારે સમગ્ર વિશ્વની સેન્ટ્રલ બેંકોના વડાઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.
ભારતે વિશ્વસ્તરીય ડિજિટલ માળખુ તૈયાર કર્યું: આઈએમએફ
તે જ સમયે, IMFએ જણાવ્યું છે કે ભારતે વ્યાપક ઉપયોગ માટે વિશ્વ-સ્તરીય ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભુ કર્યું છે, જે અર્થતંત્ર અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે અન્ય દેશો માટે પાઠ બની શકે છે. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક વિશિષ્ટ ઓળખ (આધાર), UPI અને આધાર-સમર્થિત ચુકવણી સેવાની સાથે ડિજિલોકર અને એકાઉન્ટ એગ્રિગેટર જેવી ડેટા એક્સચેન્જની વ્યવસ્થા સામેલ છે.