BYJU downfall and revival : 22 અબજ ડોલરથી શૂન્ય સુધી: બાયજુના સ્થાપક રવિન્દ્રનની મજબૂત વચનબદ્ધતા
BYJU downfall and revival : દેવામાં ડૂબી ગયેલી ભારતની પ્રખ્યાત એડટેક કંપની BYJU’S ફરીથી ઉભી થવા માટે તૈયાર છે. કંપનીના સ્થાપક બાયજુ રવીન્દ્રને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક જૂનો ફોટો શેર કર્યો અને લખ્યું, “અમે ફરી ઊભા થઈશું.” તેમણે ઉમેર્યું કે, “વિદ્યાર્થીઓની આંખોમાં રહેલી ચમક મને હંમેશા પ્રેરણા આપે છે.”
એક સમયે, BYJU’S ભારતનું સૌથી મોટું એડટેક સ્ટાર્ટઅપ હતું. 2022માં તેનું મૂલ્યાંકન 22 અબજ ડોલર (1.88 લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચી ગયું હતું, પરંતુ નાણાકીય ગેરવહીવટ અને સંચાલન સંબંધિત મુશ્કેલીઓએ 2024 સુધીમાં કંપનીને શૂન્ય મૂલ્ય સુધી પહોંચાડી દીધી.
BYJU’S ના પુનરુત્થાન માટે રવીન્દ્રનનું વિઝન
BYJU’Sના સ્થાપકે પોતાની પુનઃશરૂઆત માટે ત્રણ મહત્વની વાતો શેર કરી:
ફરી ઉઠવાની તૈયારી: રવીન્દ્રનના જણાવ્યા અનુસાર, “BYJU’S અપેક્ષા કરતા વહેલી ફરી શરૂ થશે, અને અમે મુખ્યત્વે અમારા જૂના કર્મચારીઓને પરત બોલાવીશું.”
આશાવાદ vs હકીકત: તેમણે કહ્યું, “ક્યારેક બધું એટલું સારું નથી જેટલું લાગે, અને એટલું ખરાબ પણ નથી જેટલું આપણે માનીએ. સત્ય હંમેશા વચ્ચે હોય છે.”
રોજગારીમાં યોગદાન: રવીન્દ્રને જણાવ્યું કે, “9 વર્ષમાં 2.15 લાખ યુવાનોને રોજગાર આપ્યો અને દરેકને ઓછામાં ઓછું 6 લાખનું વાર્ષિક પગાર પેકેજ અપાયું.”
BYJU’S નું ચઢાવ અને પડતીની કહાની
ઉછાળો (2011 – 2022)
2011: બાયજુ રવીન્દ્રને એક નાના ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ તરીકે BYJU’S ની શરૂઆત કરી.
2015: એપ લોન્ચ કર્યા પછી કંપની ઝડપથી પ્રખ્યાત બની.
2020-21: કોવિડ-19માં ઓનલાઇન એજ્યુકેશનની માગ વધતા BYJU’S ઝડપથી વિકસ્યું.
2022: શાહરૂખ ખાન જેવા બ્રાન્ડ એમ્બેસેડર અને આકાશ, વ્હાઇટહેટ જુનિયર જેવી કંપનીઓના એક્વિઝિશન દ્વારા તેનો વ્યાપ વધ્યો. કંપનીનું મૂલ્યાંકન 22 અબજ ડોલર સુધી પહોંચ્યું.
પડતી (2022 – 2024)
2022: અતિશય વિસ્તરણ અને દેવાના કારણે નાણાકીય દબાણ વધ્યું.
2023: ED દ્વારા FEMA ઉલ્લંઘનોની તપાસ, બોર્ડના સભ્યો અને ઓડિટર ડેલોઇટે રાજીનામું આપ્યું.
2024: નાદારી અને કાનૂની મુશ્કેલીઓ વચ્ચે BYJU’S નું મૂલ્યાંકન શૂન્ય સુધી ઘટી ગયું.
શું BYJU’S ફરી ઉભી થઈ શકે?
રવિન્દ્રન આશાવાદી છે કે BYJU’S ફરી મજબૂત થઈ શકશે. તેમનું મંતવ્ય છે કે “વૈવિધ્યસભર વિચારધારા અને ધીરજથી જ નંબર વન પોઝિશન પર પાછા આવી શકાય.” હવે જોવાનું એ રહ્યું કે BYJU’S શું ખરેખર આ પડકારોને પાર કરી શકે છે કે નહીં.