EPFO દ્વારા PF ટ્રાન્સફરની પ્રક્રિયા ફોર્મ 13 હવે વધુ સરળ અને ઝડપી
EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા) દ્વારા PF ખાતાધારકો માટે એક મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. હવે PF ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પહેલા કરતા વધુ સરળ અને ઝડપી બની ગઈ છે. EPFO દ્વારા ફોર્મ 13માં ફેરફાર કરીને તેને સિંગલ-સ્ટેપ પ્રક્રિયામાં પરિવર્તિત કરવામાં આવ્યો છે, જેના કારણે કર્મચારીઓને PF ટ્રાન્સફર કરાવતી વખતે જુદી જુદી ઓફિસોની ચક્કર ન લગાવવી પડે.
હવે, જ્યારે કોઈ કર્મચારી નોકરી બદલે છે, ત્યારે તેને જૂના PF ખાતાનું બેલેન્સ નવા PF ખાતામાં ટ્રાન્સફર કરાવવું પડે છે. અગાઉ, આ પ્રક્રિયામાં ત્રણ અલગ અલગ કડીઓ હતી – જૂની ઓફિસ પાસેથી મંજૂરી, નવી ઓફિસ તરફથી પ્રક્રિયા અને ત્યાર બાદ મંજૂરી. હવે ફક્ત જૂની ઓફિસ દ્વારા દાવો મંજૂર થયા પછી સીધા જ નવું ખાતું ક્રેડિટ થઈ જશે. નવી ઓફિસમાં કોઈ પુન:પ્રક્રિયા કરવાની જરૂર નથી. આ સાથે પેન્શન સેવા અવધિ પણ આપમેળે ટ્રાન્સફર થઈ જશે.
EPFO દ્વારા યુઝર્સને વધુ સરળતા મળે એ માટે ફોર્મ 13ને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ વધુ પારદર્શક બનાવવામાં આવ્યો છે. હવે કર્મચારીઓ EPFO ની અધિકૃત વેબસાઇટ પર જઈને સરળતાથી ફોર્મ 13 ભરાવી શકે છે. અહીં તેમને જૂની અને નવી કંપનીની KYC વિગતો, PF બેલેન્સ, વ્યાજ, યોગદાન વગેરે માહિતી એક જ જગ્યાએ જોવા મળશે. દરેક ટ્રાન્ઝેક્શન માટે એક અનન્ય ID બનાવવામાં આવશે, જે છેતરપિંડી અટકાવશે અને વિશ્વસનીયતા વધારશે.
સાથે સાથે, EPFO ટૂંક સમયમાં એક નવી સુવિધા પણ લાવવામાં આવી રહી છે – ATM જેવી કાર્યક્ષમતા ધરાવતું કાર્ડ. આ કાર્ડથી પીએફના પૈસા મિનિટોમાં ઉપાડી શકાય તેવી શક્યતા છે. આશા છે કે આ નવી સેવા મે કે જૂન 2025માં ઉપલબ્ધ થશે.
આ બદલાવના કારણે EPFOનું ડિજિટલિકરણ વધુ મજબૂત બન્યું છે અને કર્મચારીઓ માટે પીએફ વ્યવહાર હવે વધુ સરળ અને ઝડપી બની રહ્યો છે.