Fitch Ratings:
Fitch Ratings માને છે કે જો 2024ના અંત સુધીમાં ખાદ્યપદાર્થોના ભાવ સ્થિર થાય છે, ફુગાવો ઘટીને 4% પર આવી જશે, તો RBI 2024ના બીજા ભાગમાં નીતિગત દરોમાં 50 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરી શકે છે.
India GDP Data: રેટિંગ એજન્સી ફિચે 1 એપ્રિલ, 2024 થી શરૂ થતા નવા નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો છે. ફિચે આગામી નાણાકીય વર્ષ માટે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન 6.5 ટકાથી વધારીને 7 ટકા કર્યું છે. રેટિંગ એજન્સીએ સ્થાનિક માંગમાં મજબૂત વૃદ્ધિ અને સતત ઉત્સાહિત કારોબાર અને ઉપભોક્તા વિશ્વાસને કારણે વર્તમાન અને આગામી નાણાકીય વર્ષ દરમિયાન ભારતના વૃદ્ધિ અનુમાનને વધારવાનો નિર્ણય કર્યો છે.
2024-25માં 7% જીડીપીનો અંદાજ
ફિચે જણાવ્યું હતું કે, અમે ભારતીય અર્થતંત્રનો વિકાસ ચાલુ રાખવાની અપેક્ષા રાખીએ છીએ અને નાણાકીય વર્ષ 2024-25 માટે ડિસેમ્બર 2023માં જાહેર કરાયેલ અનુમાન 50 બેસિસ પોઈન્ટ્સ વધારીને 7 ટકા કરવામાં આવ્યું છે. ફિચે કહ્યું કે, સ્થાનિક માંગ સાથે રોકાણ આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે કામ કરશે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે સ્ટેટિસ્ટિક્સ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ભારતના જીડીપીના ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતે 8.4 ટકાના દરે વિકાસ કર્યો છે. આ અદભૂત આંકડા પછી, ઘણી રેટિંગ એજન્સીઓ અને નાણાકીય સંસ્થાઓ આગામી નાણાકીય વર્ષ માટે ભારતના વિકાસ દરના અંદાજમાં વધારો કરી રહી છે. ફિચનો અંદાજ છે કે 2023-24માં ભારતનો GDP વૃદ્ધિ દર 7.8 ટકા રહી શકે છે, જે સરકારના પોતાના અંદાજ 7.6 ટકા કરતાં વધુ છે.
ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિની ગતિ ધીમી રહેશે
ફિચે તેના તાજેતરના ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં જણાવ્યું છે કે રોકાણ વૃદ્ધિ દરમાં વાર્ષિક ધોરણે 10.6 ટકા અને ખાનગી વપરાશમાં 3.5 ટકા વૃદ્ધિને કારણે દેશના આર્થિક વિકાસના આંકડાએ દરેક ક્વાર્ટરમાં તમામ અંદાજોને પાછળ છોડી દીધા છે. ફિચ અનુસાર, સતત ત્રણ ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વિકાસ દર 8 ટકાથી વધુ રહ્યો છે. જોકે, ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં તે 8 ટકાથી 7.8 ટકાથી ઓછો રહેવાની ધારણા છે.
2024ના બીજા ભાગમાં લોન સસ્તી થશે
ફિચ રેટિંગ્સ અનુસાર, 2023ના છેલ્લા મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે ગ્રાહક ભાવ ફુગાવો વધ્યો છે. ડિસેમ્બર 2023માં છૂટક ફુગાવાનો દર 5.7 ટકા હતો, જે ફેબ્રુઆરી 2024માં ઘટીને 5.1 ટકા થયો છે. ફિચના જણાવ્યા અનુસાર, મોંઘવારી દરને 4 ટકા સુધી નીચે લાવવાના આરબીઆઈના લક્ષ્યને હાંસલ કરવો એ ખાદ્ય ચીજોની કિંમતો પર નિર્ભર રહેશે. જોકે, રેટિંગ એજન્સીનું માનવું છે કે 2024ના અંત સુધીમાં ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતો સ્થિર થશે તો ફુગાવાનો દર ઘટીને 4 ટકા પર આવી જશે. ફિચ રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, RBI 2024ના બીજા ભાગમાં નીતિગત દરોમાં 50 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરી શકે છે.
વૈશ્વિક વૃદ્ધિ અંદાજમાં વધારો
ફિચ રેટિંગ્સે પણ 2024 માટે વૈશ્વિક આર્થિક વૃદ્ધિના અનુમાનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ફિચે 2024 માટે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ 0.3 ટકા વધારીને 2.4 ટકા કર્યો છે.