GST Return Filing Deadline: જુલાઈથી GST રિટર્ન ફાઇલિંગ માટે 3 વર્ષની મર્યાદા લાગૂ: જાણો તમારું શું થશે?
GST Return Filing Deadline: દેશભરના GST કરદાતાઓ માટે મહત્વના સમાચાર છે. જુલાઈ, 2025ના કર સમયગાળાથી GST રિટર્ન ફાઇલ કરવા માટે 3 વર્ષની સમયમર્યાદા લાગુ પડશે. એટલે કે, જે પણ GSTR-1, GSTR-3B, GSTR-4, GSTR-5, GSTR-5A, GSTR-6, GSTR-7, GSTR-8 અને GSTR-9 રિટર્ન છે, તે હવે મૂળ તારીખથી 3 વર્ષ પછી ફાઇલ કરી શકાશે નહીં.
આ નવી વ્યવસ્થા ફાઇનાન્સ એક્ટ, 2023 મુજબ અમલમાં આવશે અને GSTN (Goods and Services Tax Network) દ્વારા માહિતી આપવામાં આવી છે કે જુલાઈથી GST પોર્ટલ પર આ મર્યાદા લાગુ થશે.
કરદાતાઓ માટે સમયસર ફાઇલિંગ ખૂબ જ જરૂરી
GSTN દ્વારા જારી પરામર્શ અનુસાર, કરદાતાઓએ સમયમર્યાદા પુરી થાય પહેલા રિટર્ન ફાઇલ કરી લેવી જોઈએ. વિલંબથી રિટર્ન ફાઇલ કરવા ઇચ્છનારાઓ હવે તક ગુમાવી શકે છે. એવા કરદાતાઓ જેમણે હજુ સુધી જૂના સમયગાળાની રિટર્ન ફાઇલ ન કરી હોય, તેમને તાત્કાલિક કાર્યવાહી કરવાની સલાહ આપવામાં આવી છે.
GST વસૂલાતમાં નોંધપાત્ર વૃદ્ધિ
જાહેર કરવામાં આવેલ આ નિર્ણય બાદ, સરકારે સ્પષ્ટ કર્યું છે કે કડક નિયમોના કારણે GST ચોરી પર અંકુશ આવ્યો છે. પરિણામે, મે, 2025માં GST વસૂલાત 2 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી છે. જેમાં ઘરેલુ વ્યવહારોમાંથી 13.7% વૃદ્ધિ અને આયાતમાંથી 25.2% વૃદ્ધિ નોંધાઈ છે. એપ્રિલ, 2025માં પણ વસૂલાતે 2.37 લાખ કરોડ રૂપિયાનો રેકોર્ડ બનાવ્યો હતો.
રિટર્ન ફાઇલિંગમાં વિલંબ ન કરો
નવા નિયમોથી સ્પષ્ટ થાય છે કે સરકાર હવે રિટર્ન ફાઇલિંગમાં શિસ્ત લાવવા માગે છે. GSTના નિયમો અનુસાર આપનું નિયમિત ફાઇલિંગ માત્ર વહીવટી, આર્થિક રીતે પણ જરૂરી બની ગયું છે. જો તમે કોઈ પણ વર્ષના રિટર્ન પેન્ડિંગ રાખ્યા છે, તો તાત્કાલિક કાર્યવાહી કરો – નહીં તો તે કાયદેસર રીતે અયોગ્ય બની શકે છે.