Gujarat: ગુજરાતમાં 27 ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડની પરીક્ષાઓ માટે 14.26 લાખ પરીક્ષાર્થી નોંધાયા,1.13 લાખ પરીક્ષાર્થીઓ ઘટી ગયા
Gujarat ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે સમગ્ર રાજ્યના 14.26 લાખ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે. જો કે, ગત વર્ષની સરખામણીમાં આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યામાં જંગી ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે રાજ્યના 15.39 લાખ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં નોંધાયા હતા. જેમાં આગામી પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીમાં 1.13 લાખનો ઘટાડો થયો છે.
Gujarat ધોરણ-10ની પરીક્ષા માટે 8.90 લાખ વિદ્યાર્થીના ફોર્મ ભરાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા 1.11 લાખ જેટલી નોંધાઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટે હાલમાં ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી તાજેતરમાં પૂર્ણ થઈ છે. બોર્ડ દ્વારા પરીક્ષા માટેના ફોર્મ રેગ્યુલર ફી સાથે સ્વીકારવાની મુદ્દત પૂર્ણ થયા ૫છી લેઈટ ફી સાથે ત્રણ તબક્કામાં ફોર્મ સ્વીકારવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિયમિત ફી સાથે ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં બોર્ડની પરીક્ષા માટે 13.75 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા.
જોકે, ત્યારબાદ લેઈટ ફી સાથે પણ ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા.
શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12 પરીક્ષા માટે અત્યાર સુધી કુલ 14.26 લાખ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે. જેમાં ધોરણ-10ની પરીક્ષા માટે 8.90 વિદ્યાર્થીના ફોર્મ ભરાયા છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે 4.25 લાખ વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે.
આ ઉપરાંત ધોરણ-12 સાયન્સમાં 1.11 લાખ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે. માર્ચ-2024ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 15.39 લાખ જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા. જેમાં ધોરણ-10 માટે 917687 ફોર્મ ભરાયા હતા. જ્યારે ધોરણ-12 સાયન્સની પરીક્ષા માટે 131987 ફોર્મ ભરાયા હતા.
આ ઉપરાંત ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે 489279 ફોર્મ ભરાયા હતા.
આ વખતે બોર્ડની પરીક્ષામાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં 1.13 લાખનો ઘટાડો જોવા મળ્યો છે. ધોરણ-10માં ગત વર્ષે નોંધાયેલા વિદ્યાર્થીઓની સરખામણીમાં ચાલુ વર્ષે 27 હજાર જેટલા ઓછા વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ધોરણ-12 સાયન્સમાં ગત વર્ષે નોંધાયેલા વિદ્યાર્થીઓ કરતા આગામી પરીક્ષા માટે 21 હજાર વિદ્યાર્થી ઓછા નોંધાયા હોવાનું જાણવા મળે છે. જ્યારે સૌથી વધુ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં ગતવર્ષે નોંધાયેલા વિદ્યાર્થીઓ કરતા આગામી પરીક્ષા માટે 64 હજાર વિદ્યાર્થીઓ ઘટયા હોવાનું જાણવા મળે છે. નોંધનીય છે કે, શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં હવે ફેરફાર થવાની શકયતા નહીવત છે. બોર્ડ દ્વારા નિયમિત ફી ઉપરાંત ત્રણ વખત લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી.જોકે તે પછી પણ વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાનું જણાતા એકથી બે દિવસ મુદ્દત લંબાવવામાં આવી હતી. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં સૌથી છેલ્લે ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા પછી બોર્ડ દ્વારા હવે પરીક્ષાને લગતી અન્ય તૈયારીઓ હાથ ધરવામાં આવશે.