India Foreign Exchange Reserves jump sharply: વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો: ભારતના ભંડારનો આંકડો $653 બિલિયન પાર
India Foreign Exchange Reserves jump sharply : આંતરરાષ્ટ્રીય અર્થતંત્રમાં ઉથલપાથલ વચ્ચે, ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. દેશના વિદેશી મુદ્રા ભંડારમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે ભારતની આર્થિક સ્થિરતા માટે સકારાત્મક સંકેત છે.
વિદેશી મુદ્રા ભંડારમાં 15 અબજ ડોલરનો વધારો
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, 7 માર્ચ, 2025 સુધીમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 15.267 અબજ ડોલરનો વધારો નોંધાયો છે. આ વૃદ્ધિ સાથે, ભારતનો કુલ વિદેશી મુદ્રા ભંડાર વધીને $653.966 બિલિયન પર પહોંચી ગયો છે.
ગત અઠવાડિયે, 28 ફેબ્રુઆરી, 2025ના અહેવાલમાં, RBI એ જણાવ્યું હતું કે વિદેશી મુદ્રા ભંડારમાં $1.781 બિલિયનનો ઘટાડો નોંધાયો હતો. જોકે, હવે આ સુધારાથી ભારતીય અર્થતંત્ર માટે હકારાત્મક સંકેત મળી રહ્યો છે.
સપ્ટેમ્બર 2024: ભારતના વિદેશી મુદ્રા ભંડારનો ઉંચો સ્તર
ગત વર્ષ, સપ્ટેમ્બર 2024 દરમિયાન, ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડાર તેના સર્વોચ્ચ સ્તરે હતું, જે $704.885 બિલિયન સુધી પહોંચ્યું હતું. પરંતુ યુદ્ધ, વૈશ્વિક મંદી અને અન્ય આંતરરાષ્ટ્રીય અસરોને કારણે તેમાં ઘટાડો થયો હતો.
સોનાના ભંડારમાં પણ ઉછાળો
વિદેશી મુદ્રા ભંડારની સાથે, સોનાના ભંડારમાં પણ વધારો નોંધાયો છે. 7 માર્ચ, 2025ના અહેવાલ મુજબ, ભારતનો સોનાનો ભંડાર $1.053 બિલિયનથી વધીને $74.325 બિલિયન થઈ ગયો છે.
આ વધારો ભારતની આર્થિક તાકાત અને નાણાકીય સ્થિરતાનું પ્રતિબિંબ છે. RBI દ્વારા જાહેર કરાયેલા આ આંકડા ભારતીય અર્થતંત્ર માટે હકારાત્મક સંકેત આપે છે, જે આગામી સમયમાં વધુ મજબૂત સ્થિતિને સૂચવે છે.