IndiGo
માર્ચ 2024માં પૂરા થયેલા છેલ્લા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશનનો ચોખ્ખો નફો બમણાથી વધુ વધીને રૂ. 1,894.8 કરોડ થયો છે. કંપનીએ ગુરુવારે આ જાણકારી આપી. એરલાઈન્સે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 919.2 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક રૂ. 14,600.1 કરોડથી વધીને રૂ. 18,505.1 કરોડ થઈ હતી.
ઈન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પીટર એલ્બર્સે જણાવ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2023-24 ઘણી નોંધપાત્ર સિદ્ધિઓ અને સીમાચિહ્નોનું વર્ષ રહ્યું છે. સંપૂર્ણ નાણાકીય વર્ષ માટે, અમે આશરે રૂ. 82 બિલિયન (રૂ. 8,200 કરોડ)ના ચોખ્ખા નફા અને 11.9 ટકાના ચોખ્ખા નફાના માર્જિન સાથે આશરે રૂ. 712 બિલિયન (રૂ. 71,200 કરોડ)ની અમારી અત્યાર સુધીની સૌથી વધુ કુલ આવક રેકોર્ડ કરી છે. ચોથા ક્વાર્ટરના નાણાકીય પરિણામો સકારાત્મક હતા, જેણે નાણાકીય વર્ષના તમામ ચાર ક્વાર્ટરને નફાકારક બનાવ્યા હતા.
તેમણે એમ પણ કહ્યું કે કંપનીની વ્યૂહરચનાનો મજબૂત અમલ સાતત્યપૂર્ણ પરિણામો આપે છે. માર્ચના અંતમાં એરલાઇન પાસે 367 એરક્રાફ્ટનો કાફલો હતો.