Business: ભારતમાં કરોડો અને અબજો રૂપિયાની છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયેલા લોકોના વહેલા પરત આવવાની દિશામાં સરકારે મોટું પગલું ભર્યું છે. બ્રિટનમાં બેઠેલા કૌભાંડીઓની સેનાને ભારત પરત લાવવા માટે કેન્દ્રીય એજન્સીઓની એક ટીમ બનાવવામાં આવી છે. સરકાર ટૂંક સમયમાં સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની બનેલી એક ઉચ્ચ સ્તરીય ટીમ બ્રિટન મોકલી રહી છે. તેનો હેતુ હથિયારોના વેપારી સંજય ભંડારી, હીરાના વેપારી નીરવ મોદી અને કિંગફિશર એરલાઇન્સના પ્રમોટર વિજય માલ્યા સહિત ભારતના મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓને પરત લાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો છે. આ ઉપરાંત, ટીમ ભાગેડુઓની ગેરકાયદેસર કમાણીનો પણ તાગ મેળવવાનો પ્રયાસ કરશે, જે તેમણે યુકે અને અન્ય દેશોમાં મિલકતો ખરીદવા પાછળ ખર્ચી છે.
આર્મ્સ ડીલર ભંડારી 2016માં ફરાર થઈ ગયો હતો. અગાઉ, આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે યુપીએ સરકાર દરમિયાન કરવામાં આવેલા અનેક સંરક્ષણ સોદાઓની તપાસ શરૂ કરી હતી. ED અનુસાર, ભંડારીએ લંડન અને દુબઈમાં મિલકતો હસ્તગત કરી હતી, જે બાદમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાના સહયોગી ગણાતા સીસી થમ્પી દ્વારા નિયંત્રિત કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
ત્રણ ભાગેડુઓનું પ્રત્યાર્પણ અટક્યું
ભંડારી, મોદી અને માલ્યાનું પ્રત્યાર્પણ હાલમાં યુકેમાં અટવાયું છે કારણ કે તેઓએ ભારત પરત ફરવા સામે ઉચ્ચ અદાલતોમાં અપીલ કરી છે. EDએ ભારતમાં તેની મિલકતો જપ્ત કરી લીધી છે. વિજય માલ્યા અને નીરવ મોદીની હજારો કરોડની પ્રોપર્ટી વેચીને બેંકોના લેણાં ચૂકવવામાં આવ્યા છે.
મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી (MLAT) હેઠળ લાંબા સમયથી યુકે સત્તાવાળાઓ સાથે પેન્ડિંગ રહેલી માહિતીના વિનિમય માટે લંડન જતી ટીમ વાટાઘાટ કરવાની છે. ભારત અને યુકે બંને એમએલએટી પર સહી કરનારા છે અને આર્થિક અપરાધીઓ અને અન્યોને સંડોવતા ફોજદારી કેસોની તપાસ માટે માહિતી શેર કરવા માટે બંધાયેલા છે. NIAની ટીમ હાલમાં ખાલિસ્તાની ચળવળ સાથે સંકળાયેલા કેટલાય આતંકવાદી શકમંદોની તપાસ કરી રહી છે.