કોરોના સમયગાળા દરમિયાન, કંપનીઓએ હાઇબ્રિડ મોડલ અપનાવ્યું હતું. કોરોનાની ઘટતી અસર સાથે મોટાભાગની કંપનીઓએ ઓફિસથી કામ કરવાનો નિયમ લાગુ કરી દીધો હતો. અત્યાર સુધી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ના કર્મચારીઓને હાઇબ્રિડ મોડલમાં કામ કરવાની છૂટ હતી. પરંતુ હવે કંપનીએ કેટલીક ટીમોને અઠવાડિયામાં 5 દિવસ ઓફિસથી કામ કરવા માટે કહ્યું છે. રિપોર્ટ અનુસાર, આ નિયમ 1 ઓક્ટોબર, 2023થી લાગુ થઈ રહ્યો છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આ નવો નિયમ બેંગલુરુમાં કેટલીક ટીમો પર લાગુ કરવામાં આવી રહ્યો છે. હાલમાં, કંપની દેશભરમાં તેના જૂના નિયમો અનુસાર ચાલશે. તમને જણાવી દઈએ કે, અગાઉ TCSએ તેના કર્મચારીઓને ઓફિસમાં આવવા અને અઠવાડિયામાં 3 દિવસ કામ કરવા માટે કહ્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં કંપનીએ કહ્યું હતું કે મેનેજરોએ રોસ્ટર બનાવતી વખતે 3 દિવસનો આ નિયમ ધ્યાનમાં રાખવો જોઈએ.
આ સમગ્ર મામલે કંપની દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, કંપનીના CEOનું કહેવું છે કે ઓફિસમાંથી કામ કરવું સહકર્મીઓ, ગ્રાહકો અને TCS માટે વધુ સારું છે.