Food: માર્ચ મહિનામાં ડુંગળી, ટામેટા અને બટાકાના ભાવમાં વધારાને કારણે શાકાહારી થાળી વાર્ષિક ધોરણે સાત ટકા મોંઘી થઈ ગઈ છે. સ્થાનિક રેટિંગ એજન્સી ક્રિસિલના એક યુનિટે ગુરુવારે આ સર્વે રજૂ કર્યો હતો. ક્રિસિલ માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિસિસે તેના માસિક ‘રોટી ચાવલ રેટ’ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, મરઘાંના ભાવમાં ઘટાડો થવાને કારણે ગયા મહિને માંસાહારી થાળીની કિંમતમાં સાત ટકાનો ઘટાડો થયો છે.
શાકાહારી થાળી રોટલી, શાકભાજી (ડુંગળી, ટામેટા અને બટાકા), ચોખા, દાળ, દહીં અને સલાડ સાથે આવે છે. માર્ચમાં આ થાળીની કિંમત વધીને 27.3 રૂપિયા પ્રતિ થાળી થઈ ગઈ.
જે એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં 25.5 રૂપિયા હતી. જોકે, શાકાહારી થાળીની કિંમત ફેબ્રુઆરીમાં 27.4 રૂપિયાની સરખામણીએ માર્ચમાં ઘટી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “ઓછી આવક અને નીચા બેઝ રેટને કારણે શાકાહારી થાળી મોંઘી થઈ ગઈ છે કારણ કે વાર્ષિક ધોરણે ડુંગળીના ભાવમાં 40 ટકા, ટામેટાના ભાવમાં 36 ટકા અને બટાકાના ભાવમાં 22 ટકાનો વધારો થયો છે.”
રિપોર્ટ અનુસાર, ઓછી આવકને કારણે ચોખાના ભાવમાં પણ એક વર્ષ અગાઉની સરખામણીમાં 14 ટકા અને દાળના ભાવમાં 22 ટકાનો વધારો થયો છે. જ્યાં એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં માંસાહારી થાળીની કિંમત રૂ. 59.2 હતી, તે ગયા મહિને ઘટીને રૂ. 54.9 થઈ ગઈ હતી, પરંતુ તેની કિંમત હજુ પણ ફેબ્રુઆરીમાં રૂ. 54 પ્રતિ થાળી કરતાં વધુ છે. વાસ્તવમાં, બ્રોઇલર ચિકનના ભાવમાં 16 ટકાના ઘટાડાથી, માંસાહારી થાળીની કિંમત વાર્ષિક ધોરણે ઘટી છે. માંસાહારી થાળીમાં બ્રોઈલરનું વજન 50 ટકા હોય છે. જોકે, પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત અને ફેબ્રુઆરીની સરખામણીમાં માર્ચમાં વધુ માંગને કારણે બ્રોઈલરના ભાવમાં પાંચ ટકાનો વધારો થયો હતો.