કાન્સ 2026: લોરિયલે ઐશ્વર્યા રાયની અવગણના કરી? આલિયા ભટ્ટના પોસ્ટર જોઈને ચાહકો ભડક્યા
મંગળવારથી વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવા ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026’ની શરૂઆત થવા જઈ રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાહકો લોરિયલની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર ઐશ્વર્યા રાય બચ્ચનને રેડ કાર્પેટ પર જોવા માટે આતુર હતા. પરંતુ, ઉત્સાહની આ ક્ષણોમાં ત્યારે ભંગ પડ્યો જ્યારે લોરિયલ પેરિસે તેના તાજેતરના પ્રમોશનલ વીડિયોમાં ઐશ્વર્યાની ધરાર અવગણના કરી હોય તેવું જણાયું.
શું છે સમગ્ર મામલો?
લોરિયલ પેરિસ કાન્સ 2026નું સત્તાવાર મેકઅપ પાર્ટનર છે. બ્રાન્ડે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર કાન્સની આઇકોનિક હોટેલ માર્ટિનેઝ (Hotel Martinez) પર લાગેલા તેના બ્રાન્ડ એમ્બેસેડર્સના વિશાળ પોસ્ટર્સનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં હોલીવુડ સ્ટાર્સ વાયોલા ડેવિસ, ઈવા લોન્ગોરિયા અને હેલન મિરેનના પોસ્ટર્સ બતાવવામાં આવ્યા હતા. જોકે, આશ્ચર્યની વાત એ હતી કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બ્રાન્ડે ઐશ્વર્યા રાયને બદલે આલિયા ભટ્ટનું પોસ્ટર પ્રદર્શિત કર્યું હતું.
ઐશ્વર્યા રાય બચ્ચન વર્ષ 2003થી આ બ્રાન્ડ સાથે જોડાયેલી છે અને કાન્સના રેડ કાર્પેટ પર તે ભારતનો સૌથી મોટો ચહેરો માનવામાં આવે છે. બીજી તરફ, આલિયા ભટ્ટને હજુ તાજેતરમાં જ 2024માં ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવી છે. જૂના અને જાણીતા ચહેરાને બદલે નવા ચહેરાને આટલું મહત્વ મળતા ઐશ્વર્યાના ચાહકો નારાજ થયા છે.
ચાહકોનો રોષ: “ઐશ્વર્યા વગર લોરિયલ કંઈ જ નથી”
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ કોમેન્ટ સેક્શનમાં ઐશ્વર્યાના ચાહકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. ઘણા યુઝર્સે સવાલ પૂછ્યો કે, “ઐશ્વર્યા ક્યાં છે?”
એક યુઝરે લખ્યું, “ઐશ્વર્યા વગર ભારતમાં લોરિયલનું કોઈ અસ્તિત્વ નથી. તમે ભલે 100 આલિયા સાથે કરાર કરો, પરંતુ ઐશ્વર્યા જેવી શાલીનતા અને પ્રભુત્વ કોઈ લાવી શકશે નહીં.” અન્ય એક ચાહકે નારાજગી વ્યક્ત કરતા લખ્યું, “જે વ્યક્તિએ લોરિયલને ભારતના દરેક ઘરમાં ફેમસ બનાવી, તેની સાથે છેલ્લા કેટલાક વર્ષોથી આવો વ્યવહાર કેમ કરવામાં આવી રહ્યો છે?”
આ વર્ષે કાન્સમાં કોણ કોણ દેખાશે?
વિવાદો છતાં, એવી અપેક્ષા છે કે ઐશ્વર્યા અને આલિયા બંને આ વર્ષે કાન્સના રેડ કાર્પેટ પર જોવા મળશે. આલિયા ભટ્ટ તો ફ્રાન્સ પહોંચી પણ ગઈ છે. સોમવારે તેને કાન્સમાં સ્ટાઇલિશ બ્લેઝર અને ટ્રાઉઝરમાં જોવામાં આવી હતી.
View this post on Instagram
આ વર્ષે ભારત તરફથી માત્ર ઐશ્વર્યા અને આલિયા જ નહીં, પરંતુ અદિતિ રાવ હૈદરી, કલ્યાણી પ્રિયદર્શન, તારા સુતારિયા, મૌની રોય, જેકલીન ફર્નાન્ડીઝ, એમી વિર્ક અને કરણ જોહર જેવા સ્ટાર્સ પણ રેડ કાર્પેટ પર પોતાની ચમક બિખેરતા જોવા મળશે.
વર્ક ફ્રન્ટ પર બંને અભિનેત્રીઓ
ઐશ્વર્યા રાય છેલ્લે મણિરત્નમની ફિલ્મ ‘પોન્નીયિન સેલવાન: II’ માં જોવા મળી હતી. અત્યારે તેની પાસે કોઈ નવા મોટા પ્રોજેક્ટની જાહેરાત નથી. બીજી તરફ આલિયા ભટ્ટ અત્યારે કામમાં ખૂબ જ વ્યસ્ત છે. તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે જોવા મળશે. આ ઉપરાંત તે યશરાજ ફિલ્મ્સની સ્પાય થ્રિલર ‘આલ્ફા’માં પણ કામ કરી રહી છે.
