કારનું AC ચાલુ હોવા છતાં નથી મળતી ઠંડક? અપનાવો આ સ્માર્ટ ટ્રિક્સ, મિનિટોમાં કેબિન થઈ જશે ઠંડુંગાર
ભીષણ ગરમીમાં કાર ચલાવતી વખતે જો એસી (AC) પૂરતી ઠંડક ન આપે, તો મુસાફરી આકરી બની જાય છે. ઘણીવાર આપણને લાગે છે કે એસીમાં કોઈ મોટી ખરાબી આવી ગઈ છે, પરંતુ હકીકતમાં તેની પાછળ નાના કારણો જવાબદાર હોય છે. એસી ગેસનું ઓછું સ્તર, ગંદુ એર ફિલ્ટર કે કન્ડેન્સર પર જામતી ધૂળ ઠંડકને અસર કરે છે. જો તમે કેટલીક નાની પણ સ્માર્ટ ટ્રિક્સ અપનાવશો, તો મોટો ખર્ચ કર્યા વગર જ તમારા એસીની પરફોર્મન્સ સુધારી શકશો.
કેમ ઘટી જાય છે ACની ઠંડક?
સમયની સાથે કારના એસી ગેસનું સ્તર ઘટવું સ્વાભાવિક છે. આ ઉપરાંત, જો તમે એસી ફિલ્ટરની સફાઈમાં ધ્યાન ન આપો, તો ધૂળ જામવાને કારણે હવાનો પ્રવાહ (Airflow) અવરોધાય છે. કેટલીકવાર આપણે કાર ચાલુ કરતાની સાથે જ એસી ફૂલ સ્પીડ પર કરી દઈએ છીએ, જે એસી કોમ્પ્રેસર પર વધારાનું દબાણ લાવે છે અને તે લાંબા ગાળે નુકસાનકારક સાબિત થાય છે.
ઝડપી ઠંડક માટેની સ્માર્ટ રીત
જ્યારે પણ તમે તડકામાં ઉભેલી કારમાં બેસો, ત્યારે સીધું એસી ચાલુ ન કરો. તેના બદલે આ સ્ટેપ્સ ફોલો કરો:
- ગરમ હવા બહાર કાઢો: કાર સ્ટાર્ટ કરતા પહેલા થોડી મિનિટો માટે બારીઓ કે દરવાજા ખોલી નાખો. તેનાથી અંદર ભરાયેલી ગરમ હવા બહાર નીકળી જશે.
- શરૂઆતમાં ફેન સ્પીડ વધુ રાખો: એસી ચાલુ કર્યા બાદ શરૂઆતમાં ફેન ફૂલ રાખો અને જ્યારે અંદરની ગરમી ઓછી થઈ જાય ત્યારે તેને મધ્યમ સ્પીડ પર સેટ કરો.
- બારીઓ બંધ રાખવી: ઠંડક જાળવી રાખવા માટે બારીના કાચ સંપૂર્ણ બંધ છે તેની ખાતરી કરો.
રીસર્ક્યુલેશન મોડ (Recirculation Mode) નો ઉપયોગ
કારના એસીમાં હંમેશા ‘રીસર્ક્યુલેશન મોડ’ ચાલુ રાખવો જોઈએ. આ મોડનો ફાયદો એ છે કે તે બહારની ગરમ હવાને અંદર આવવા દેતું નથી, પરંતુ અંદરની જ હવાને ઠંડી કરીને ફરી ફેરવે છે. આનાથી કેબિન ઝડપથી ઠંડું થાય છે અને એસી પર ભાર ઓછો પડે છે.
ફિલ્ટર અને કન્ડેન્સરની સફાઈ
એસીનું ફિલ્ટર એ ફેફસા જેવું કામ કરે છે. જો તે ગંદુ હશે, તો ઠંડક તો ઓછી થશે જ પણ સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે. સમયાંતરે એસી ફિલ્ટર સાફ કરાવો અથવા જો જરૂર હોય તો તેને બદલી નાખો. સાથે જ, કારની આગળના ભાગમાં રહેલા કન્ડેન્સર પર પાણીનો છંટકાવ કરીને તેને ધૂળમુક્ત રાખવું જોઈએ.
પાર્કિંગમાં સાવધાની
શક્ય હોય ત્યાં સુધી કારને હંમેશા છાયડામાં જ પાર્ક કરવાનો આગ્રહ રાખો. જો ખુલ્લામાં પાર્ક કરવાની ફરજ પડે, તો સનશેડનો ઉપયોગ કરો. તેનાથી કારના કેબિનનું તાપમાન ઓછું રહેશે અને જ્યારે તમે ફરી એસી ચાલુ કરશો ત્યારે તે ખૂબ જ ઝડપથી ઠંડક આપવાનું શરૂ કરશે.

