કેનેડામાં ખાલિસ્તાનીઓનું હવે આવી બનશે? કેનેડાના વિદેશ મંત્રીએ બધું જ સ્પષ્ટ કરી દીધું
કેનેડાના વિદેશ મંત્રી અનીતા આનંદે કહ્યું છે કે ભારત-કેનેડાના સંબંધોમાં કોઈ રીસેટ (પુન:શરૂઆત) નહીં, પરંતુ પ્રગતિની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે એ પણ કહ્યું છે કે કેનેડાની ધરતી પર કોઈપણ પ્રકારની હિંસા કે અસુરક્ષા બરદાસ્ત કરવામાં આવશે નહીં.
કેનેડાના વિદેશ મંત્રી અનીતા આનંદે ભારત સાથેના સંબંધો પર એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. અનીતા આનંદે સ્પષ્ટ કહ્યું છે કે બંને દેશોના સંબંધો હવે રીસેટ નહીં પણ ઉન્નતિના દોરમાં છે.
તેમણે આ વાત પર ભાર મૂક્યો કે કેનેડા પોતાની જમીન પર કોઈપણ પ્રકારની હિંસા કે અસુરક્ષા સહન નહીં કરે અને ત્યાંના અધિકારીઓ ખાલિસ્તાની ગતિવિધિઓ પર સખ્ત નજર રાખી રહ્યા છે.
બે ટ્રેક પર આગળ વધશે ભારત-કેનેડા સંબંધો
આનંદે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે બંને દેશોના સંબંધો હવે બે ટ્રેક પર આગળ વધશે:
પ્રથમ ટ્રેક: કાયદા અમલ અને સુરક્ષા સંવાદનો હશે, જેમાં બંને દેશો એકબીજાની ચિંતાઓને ખુલીને રજૂ કરશે.
બીજો ટ્રેક: ભાગીદારી અને સહયોગના નવા ક્ષેત્રો, જેમ કે ઊર્જા, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), જળવાયુ પરિવર્તન, વેપાર અને લોકો વચ્ચેના પારસ્પરિક જોડાણ પર ફોકસ કરશે.
આનંદે જણાવ્યું કે તેઓ ભારત એટલા માટે આવ્યા જેથી બંને દેશો વચ્ચેના સંયુક્ત નિવેદનને અંતિમ સ્વરૂપ આપી શકાય. તેમણે કહ્યું કે, “આ નિવેદન આપણા સહયોગની દિશા નક્કી કરે છે. ઘણા વર્ષો પછી આવું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે બંને દેશો એક નવી શરૂઆત તરફ આગળ વધી રહ્યા છે.”
ખાલિસ્તાનીઓ પર કેનેડાનું સખ્ત વલણ
ભારતની સૌથી મોટી ચિંતા ખાલિસ્તાન સમર્થક ગતિવિધિઓ રહી છે. આ અંગે મંત્રી આનંદે કહ્યું કે કેનેડામાં આરસીએમપી (Royal Canadian Mounted Police) તપાસ કરી રહી છે અને કોઈને પણ કાયદાથી ઉપર માનવામાં આવશે નહીં.
આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે ભારતે કેનેડા પાસેથી તે વ્યક્તિઓને સોંપવાની માંગ કરી છે જેમને ભારતે આતંકવાદી જાહેર કર્યા છે. તેમણે કહ્યું કે કેનેડા તેના નાગરિકો અને વિદેશી રાજદ્વારીઓની સુરક્ષાને ખૂબ ગંભીરતાથી લે છે. “અમારા દેશમાં કોઈને પણ હિંસા ફેલાવવાની અનુમતિ આપવામાં આવશે નહીં. દરેક નાગરિકને સુરક્ષિત મહેસૂસ કરવાનો અધિકાર છે, અને અમે તે સુનિશ્ચિત કરીશું.”
વેપાર અને રોકાણને મળશે નવો ઉત્સાહ
અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા ટ્રેડ વોર વચ્ચે, કેનેડા હવે ભારત સાથેના પોતાના વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત કરવા માંગે છે. આનંદે કહ્યું કે વર્તમાન સમય વૈશ્વિક આર્થિક અસ્થિરતાનો છે, અને આવા સમયે ભારત જેવા દેશો સાથે જોડાણ ખૂબ મહત્ત્વનું છે. તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં જ કેનેડા-ઇન્ડિયા સીઈઓ ફોરમ (Canada-India CEO Forum)ને ફરીથી શરૂ કરવામાં આવશે અને બંને દેશોના મંત્રીઓ વેપાર અને રોકાણ પર વાતચીત કરશે.