ભચાઉમાં લેન્ડ ગ્રેબિંગનો કિસ્સો: 6 એકર જમીન પચાવી પાડનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ
કચ્છમાં મોકાની જમીનો પચાવી પાડવાના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે વધુ એક કિસ્સો પૂર્વ કચ્છના ભચાઉ તાલુકામાં સામે આવ્યો છે. જેમાં ગામના શખ્સ ઉંમર હસન સરપાણી દ્વારા ગામના જ પટેલ સમાજના અગ્રણીની જમીન પચાવી પડાઇ હતી, જે અંગે ફરિયાદ નોંધાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
લાકડીયા પોલીસ મથકે ગુનો દાખલ થયા બાદ ગુનાની તપાસ કરી રહેલા ડીવાયએસપી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ_ પીઆઈ જે.એમ. જાડેજાએ આરોપી ઉંમર હસન સરપાણી (રાઉમા)ની ધરપકડ કરી લીધી છે.
આ ખેતર મૂળ રાપરના ગોવિંદપર ગામના વતની
અને વર્ષોથી મહારાષ્ટ્રના નાસિકમાં સ્થાયી થયેલા ગણેશભાઈ પ્રેમજીભાઈ ગામી (પટેલ) અને તેમના પરિચિત જયંતીભાઈ તથા પ્રવિણભાઈ પટેલની માલિકીનું છે.
જો કે, છેલ્લાં ત્રણ ચાર વર્ષથી આરોપીએ આ ખેતરનો ગેરકાયદે કબજો કરીને તેમાં વાવેતર કરવાનું શરૂ કરી દીધેલું. ખેતરનો કબજો સોંપતો નહોતો. જેથી ગણેશભાઈના ભાઈ કરમશીએ કલેક્ટરની અધ્યક્ષતાવાળી કમિટી સમક્ષ લેન્ડગ્રેબિંગ હેઠળ ઉમર સામે ગુનો નોંધવાનો હુકમ કરવા અરજી કરી હતી. સમિતિએ જમીનના આધાર પુરાવા જોઈ ગુનો નોંધાવવા હુકમ કરતા કરમશી ગામીએ આજે લાકડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.