ભારત-ચીનનું ગઠબંધન: ટ્રમ્પના ટેરિફ સામે ડોલરને પડકાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને ચીન સહિત અનેક દેશો પર લાદવામાં આવેલા આક્રમક ટેરિફના જવાબમાં, હવે ભારત અને ચીન એક થઈને એક મોટી આર્થિક યોજના પર કામ કરી રહ્યા છે. આ બંને દેશો અમેરિકાના આર્થિક દબાણનો સામનો કરવા માટે એક વૈકલ્પિક ચુકવણી પ્રણાલી લાવવા પર વિચાર કરી રહ્યા છે, જે ડોલરના વર્ચસ્વને પડકારશે.
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિયાનજિયાનમાં યોજાયેલી SCO સમિટમાં ભાગ લીધો હતો, જ્યાં તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે જોવા મળ્યા હતા. આ બેઠક દરમિયાન વેપાર માટે નવી ચુકવણી પ્રણાલી લાવવા અંગે ગંભીર ચર્ચાઓ થઈ હતી. ‘ઈકોનોમિક ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર માટ્ટેઓ મેઝિયોરીએ જણાવ્યું કે શક્તિશાળી દેશો હવે વેપાર અને નાણાકીય પ્રણાલીઓનો ઉપયોગ રાજકીય પ્રભાવ પાડવા માટે એક હથિયાર તરીકે કરી રહ્યા છે. અમેરિકા ડોલરના વૈશ્વિક પ્રભુત્વનો ઉપયોગ કરીને અન્ય દેશો પર દબાણ લાવે છે.
આ પરિસ્થિતિના જવાબમાં, ભારત અને ચીન જેવી મોટી અર્થવ્યવસ્થાઓ હવે અમેરિકન દબાણ ઘટાડવા અને પોતાનો પ્રભાવ વધારવા માટે વૈકલ્પિક નાણાકીય પ્રણાલીઓ વિકસાવી રહી છે. જો આ બંને દેશો ડોલરને બદલે તેમના પોતાના ચલણમાં અથવા અન્ય કોઈ નવી પ્રણાલી દ્વારા વેપાર શરૂ કરે, તો તે અમેરિકા માટે એક મોટો આર્થિક આંચકો સાબિત થઈ શકે છે.
ટ્રમ્પની ટેરિફ નીતિ અને તેની અસર
ટ્રમ્પે ભારત પર 50% સુધીના ટેરિફ લગાવ્યા છે, જેનાથી બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો પર નકારાત્મક અસર પડી છે. આ જ રીતે ચીન પર પણ ટેરિફ લાદવામાં આવ્યા છે, જેના કારણે અમેરિકા અને ચીન વચ્ચે ‘વેપાર યુદ્ધ’ શરૂ થયું છે. આ આક્રમક નીતિથી નારાજ થઈને, ભારત અને ચીન હવે પરસ્પર ફરિયાદો ભૂલીને એકસાથે આવી રહ્યા છે, જેથી વૈશ્વિક વેપારમાં અમેરિકાના વર્ચસ્વને ઘટાડી શકાય.
આ નવી ચુકવણી પ્રણાલીનો હેતુ ફક્ત અમેરિકાને જવાબ આપવાનો નથી, પરંતુ વૈશ્વિક અર્થતંત્રમાં એક વધુ સંતુલિત અને બહુધ્રુવીય વ્યવસ્થા સ્થાપિત કરવાનો પણ છે. જો આ યોજના સફળ થાય, તો તે વૈશ્વિક વેપાર અને ભૂ-રાજકારણમાં એક મોટો પરિવર્તન લાવી શકે છે, જ્યાં ડોલરની એકહથ્થુ સત્તા નબળી પડશે. રશિયાનું સમર્થન પણ આ પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.