જાપાનના વડાપ્રધાન સાને તકાઈચીના તાઈવાન અંગેના નિવેદન પર ચીન ભડક્યું; બંને દેશોએ એકબીજાના રાજદૂતોને બોલાવ્યા.
ચીન અને જાપાન વચ્ચે તણાવ વધેલો દેખાય છે. જાપાનના નવા વડાપ્રધાન સાને તકાઈચીએ તાઈવાન અંગે નિવેદન આપ્યું હતું, જેમાં તાઈવાન પર સંભવિત હુમલાનો ઉલ્લેખ હતો. આ નિવેદન બાદ ચીને હવે પોતાના નાગરિકોને જાપાનની મુસાફરી ટાળવાની સલાહ આપી છે.
જાપાનના વડાપ્રધાન સાને તકાઈચીએ 7 નવેમ્બરના રોજ સંસદમાં કહ્યું હતું કે, જો ચીન દ્વારા દાવો કરાયેલા સ્વ-શાસિત તાઈવાન પર બળનો ઉપયોગ થાય તો ટોક્યો તરફથી સૈન્ય પ્રતિક્રિયા થઈ શકે છે. આ નિવેદન અને એક અયોગ્ય તથા હવે હટાવી દેવાયેલી ઓનલાઈન પોસ્ટને કારણે શુક્રવારે બીજિંગે જાપાનના રાજદૂતને બોલાવ્યા હતા, જ્યારે ટોક્યોએ ચીનના રાજદૂતને બોલાવ્યા હતા. ટોક્યોએ હજી પણ કહ્યું છે કે તાઈવાન પ્રત્યેની તેની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.

નાગરિકોને જાપાન ન જવાની સલાહ
શુક્રવારે મોડી રાત્રે એક ઓનલાઈન પોસ્ટમાં, જાપાનમાં ચીનના દૂતાવાસે પોતાના નાગરિકોને જાપાનની મુસાફરી ટાળવાની ચેતવણી આપી. WeChat પોસ્ટમાં કહેવામાં આવ્યું: “તાજેતરમાં, જાપાની નેતાઓ તાઈવાનને લઈને ખુલ્લેઆમ ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહ્યા છે, જેનાથી લોકો વચ્ચે સંવાદ અને સંપર્કના વાતાવરણને ગંભીર અસર થઈ છે.”
પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું કે આ સ્થિતિ જાપાનમાં ચીની નાગરિકોની વ્યક્તિગત સુરક્ષા અને જીવન માટે ગંભીર જોખમ ઊભું કરે છે. “વિદેશ મંત્રાલય અને જાપાનમાં ચીની દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ ગંભીરતાથી પોતાના નાગરિકોને આવનારા દિવસોમાં જાપાનની મુસાફરી ટાળવાની સલાહ આપે છે.”
તાઈવાનને લઈને વધેલો તણાવ
બીજિંગનું કહેવું છે કે તાઈવાન — જેના પર જાપાને 1945 સુધી ઘણા દાયકાઓ સુધી કબજો કર્યો હતો — તે તેના ક્ષેત્રનો ભાગ છે અને નિયંત્રણ મેળવવા માટે બળનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો નથી. ચીન અને જાપાન મહત્વપૂર્ણ વ્યાપારી ભાગીદારો છે, પરંતુ ઐતિહાસિક અવિશ્વાસ અને પ્રાદેશિક સ્પર્ધાને કારણે તણાવ યથાવત્ છે.

તકાઈચીએ તાઈવાન અંગે આપ્યું નિવેદન
તકાઈચી, જે એક રૂઢિચુસ્ત અને ચીન વિરોધી નેતા છે, તેમણે ગયા મહિને સત્તા સંભાળ્યા પછી પોતાના વલણમાં થોડો નરમાશ લાવી છે. પરંતુ તેમની સરકારના માત્ર થોડા જ અઠવાડિયામાં, બંને પડોશી દેશો વચ્ચેના મતભેદો સપાટી પર આવ્યા છે.
7 નવેમ્બરના રોજ સંસદમાં પોતાની વાત રજૂ કરતાં તકાઈચીએ કહ્યું કે તાઈવાન પર સશસ્ત્ર હુમલો થવા પર સામૂહિક આત્મરક્ષણ (collective self-defense) હેઠળ ત્યાં સૈનિકો મોકલી શકાય છે. તેમણે કહ્યું, “જો તાઈવાનમાં કોઈ કટોકટીની સ્થિતિમાં યુદ્ધ જહાજો અને બળનો ઉપયોગ થયો, તો તે (જાપાનના અસ્તિત્વ માટે) જોખમની સ્થિતિ બની શકે છે, પછી ભલે તેને કોઈપણ દૃષ્ટિકોણથી જોવામાં આવે.”
2015માં પસાર થયેલો સુરક્ષા કાયદો જાપાનને કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં સામૂહિક આત્મરક્ષણનો અધિકાર વાપરવાની પરવાનગી આપે છે, જેમાં દેશના અસ્તિત્વને સ્પષ્ટ ખતરો હોવાની સ્થિતિ પણ સામેલ છે. વધતા રાજદ્વારી વિવાદ છતાં, તકાઈચીએ અત્યાર સુધી સંકેત આપ્યો છે કે તે પોતાના નિવેદનને પાછું ખેંચવાનો ઇરાદો ધરાવતા નથી અને ભારપૂર્વક કહ્યું કે તે ટોક્યોની જૂની નીતિને અનુરૂપ છે.

