ભારત-ચીન અને રશિયાની એક્તાથી અમેરિકી પ્રશાસનમાં ખળભળાટ, ટ્રમ્પ સામે ઉભો થયો નવો પડકાર
સાત વર્ષના લાંબા ગાળા પછી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચીન ગયા અને અમેરિકા સહિત પશ્ચિમ દેશોના પેટમાં તેલ રેડાયું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દેશો વચ્ચેના આર્થિક, સુરક્ષા અને વ્યૂહાત્મક સંબંધો પર દ્વિપક્ષીય વાટાઘાટોએ પણ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
આ વાટાઘાટો એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ અમલમાં આવ્યા છે અને વૈશ્વિક વેપાર જગતમાં ભારત, ચીન અને રશિયાના ત્રિકોણ પર ચર્ચાઓ તીવ્ર બની રહી છે. ખાસ કરીને પશ્ચિમી મીડિયા બદલાયેલા વૈશ્વિક સંજોગોમાં વિશ્વના ચાર સૌથી શક્તિશાળી નેતાઓમાંથી ત્રણના એકસાથે આવવાના આ બેઠકના સિદ્ધાંતને મજબૂતી આપી રહ્યું છે.
એક સમય હતો ક જ્યારે અમેરિકા મૈત્રીપૂર્ણ મૂક્ત વેપારનો સૌથી મોટો લાભાર્થી દેશ હતો. પરંતુ ટ્રમ્પની આડોડાઈના કારણે વિશ્વ અર્થતંત્રના દેશો તેમની સપ્લાય ચેઇનને ફરીથી આકાર આપી રહ્યા છે, નવા વેપાર બ્લોક્સ બની રહ્યા છે અને વૈશ્વિક વેપારનું માળખું ધીમે ધીમે બદલાઈ રહ્યું છે.
આ પરિસ્થિતિમાં સૌથી મહત્વપૂર્ણ પરિવર્તન ભારત, ચીન અને રશિયા વચ્ચે ઉભરતા જોડાણનું છે. તેમાં કોઈ શંકા નથી કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા આક્રમક ટેરિફ યુદ્ધે આ ત્રણેય દેશોને એકબીજાની નજીક લાવવામાં ભૂમિકા ભજવી છે. આર્થિક દબાણ અને ભૂ-રાજકીય દબાણની સંયુક્ત અસરથી આ દેશોને ખ્યાલ આવ્યો છે કે પશ્ચિમ-પ્રભુત્વવાળી વ્યવસ્થા તેમના લાંબા ગાળાના આર્થિક હિતમાં નથી.
ભારત અને રશિયાની ભૌગોલિક સ્થિતિ નિર્ણાયક છે.
જો ભારત તેની પરિસ્થિતિઓ અને હિતો અનુસાર આ માળખામાં જોડાવાના કારણે વેપાર કોરિડોરને એક નવું પરિમાણ મળશે. તેવી જ રીતે, ભારત, રશિયા અને ઈરાનનો ‘આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર’ પણ પશ્ચિમી માર્ગોના વિકલ્પ તરીકે ઉભરી શકે છે. આ ત્રિકોણ વિદેશી રોકાણ અને નાણાકીય સહયોગના ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ છે.
ભારત, ચીન અને રશિયા સાથે મળીને આગળ વધે છે, તો તેઓ ડોલરની લાંબા ગાળાની એકાધિકાર સ્થિતિને પણ પડકાર આપી શકે છે. રશિયા અને ભારત વચ્ચે સ્થાનિક ચલણોમાં વેપાર, જ્યારે રશિયા અને ચીન પણ ડોલરને બદલે યુઆન અને રૂબલમાં વ્યવહાર કરે છે જો આ વલણને સંસ્થાકીય સમર્થન મળે અને એક વ્યાપક વેપાર પ્રણાલી વિકસિત થાય જેમાં ડોલર મુખ્ય ચલણ ન હોય, તો તે અમેરિકા અને પશ્ચિમ માટે સૌથી મોટો આર્થિક પડકાર સાબિત થશે.
તાજેતરના સમયમાં, એવું જોવા મળ્યું છે કે અમેરિકાએ ‘ડી-ડોલરાઇઝેશન’ માટે બ્રિક્સની કેવી ટીકા કરી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ભારત, ચીન અને રશિયાનું જોડાણ વૈશ્વિક આર્થિક પરિદ્રશ્યમાં માળખાકીય પરિવર્તનનો સંકેત આપી રહ્યું છે. આ ત્રિકોણ નવી આર્થિક ધરી તરીકે ઉભરી શકે છે.