ચીનમાં શી જિનપિંગની ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ તેજ, શાંઘાઈના શક્તિશાળી નેતા ચેન જિનિંગ સામે તપાસ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ હવે દેશના ઉચ્ચ રાજકીય નેતૃત્વ સુધી પહોંચી ગઈ છે. ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટબ્યુરોના સભ્ય અને શાંઘાઈના પાર્ટી ચીફ ચેન જિનિંગ સામે સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે. 62 વર્ષીય ચેન પર પાર્ટીની શિસ્ત અને કાયદાના ગંભીર ઉલ્લંઘનનો સંદેહ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી એવા સમયે થઈ છે, જ્યારે ચીનમાં ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવી રહી છે અને અનેક વરિષ્ઠ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવી રહ્યાં છે.
ચેન જિનિંગ શાંઘાઈ મ્યુનિસિપલ કમિટીના સેક્રેટરી તરીકે કાર્યરત છે. શાંઘાઈ ચીનનું મહત્વપૂર્ણ નાણાકીય અને વ્યાપારી કેન્દ્ર હોવાથી ત્યાંના પાર્ટી ચીફનું પદ અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. આ તપાસથી ચીનના રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે.

શાંઘાઈના શક્તિશાળી નેતા સામે તપાસ, પોલિટબ્યુરોમાં ચોથો કેસ
ચીનની સરકારી સમાચાર એજન્સી શિનહુઆના અહેવાલ મુજબ, ચેન જિનિંગ સામેની તપાસ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના સેન્ટ્રલ કમિશન ફોર ડિસિપ્લિન ઇન્સ્પેક્શન અને નેશનલ સુપરવિઝરી કમિશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.ચેન જિનિંગ ચીનના ઉચ્ચ સ્તરીય પોલિટબ્યુરોના સભ્ય છે. પોલિટબ્યુરો કોમ્યુનિસ્ટ પાર્ટીની સર્વોચ્ચ રાજકીય નિર્ણય લેનારી સંસ્થાઓમાંની એક છે. તેના સભ્યો પાંચ વર્ષના કાર્યકાળ માટે ચૂંટાય છે અને દેશની મહત્વપૂર્ણ નીતિઓ તથા રાજકીય દિશા નક્કી કરવામાં તેમની ભૂમિકા હોય છે.
હોંગકોંગના અખબાર સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, ચેન વર્તમાન પોલિટબ્યુરોના એવા ચોથા સભ્ય છે, જેમની સામે પદ પર હોવા છતાં તપાસ શરૂ કરવામાં આવી છે. એક જ કાર્યકાળ દરમિયાન પોલિટબ્યુરોના અનેક સભ્યો સામે આવી કાર્યવાહી થવી તાજેતરના દાયકાઓમાં અસામાન્ય ઘટના ગણાય છે.ચેનને છેલ્લે 19 નવેમ્બરે જાહેરમાં જોવા મળ્યા હતા. તે સમયે તેમણે શાંઘાઈમાં ચાઈના કોસ્કો શિપિંગ કોર્પોરેશનની મુલાકાત લીધી હતી. તેઓ એવા પ્રથમ કાર્યરત શાંઘાઈ પાર્ટી સેક્રેટરી છે, જેમની સામે 2006માં ચેન લિયાંગ્યુને પદ પરથી હટાવવામાં આવ્યા બાદ તપાસ શરૂ થઈ છે.
33 વરિષ્ઠ અધિકારીઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા
ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહી વધુ કડક બનાવવાનો નિર્ણય લીધો છે. ઓક્ટોબરમાં યોજાયેલી સેન્ટ્રલ કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં 33 વરિષ્ઠ અધિકારીઓને પાર્ટીમાંથી હાંકી કાઢવાની કાર્યવાહી મંજૂર કરવામાં આવી હતી.આ યાદીમાં સેનાના ભૂતપૂર્વ ઉચ્ચ અધિકારીઓ ઝાંગ યુક્સિયા અને લિયુ ઝેનલીનો પણ સમાવેશ થાય છે. હાંકી કાઢવામાં આવેલા અધિકારીઓમાંથી 16 સૈન્ય સાથે સંબંધિત હતા.
બેઠક બાદ જાહેર કરાયેલા નિવેદનમાં પાર્ટીએ સ્વીકાર્યું હતું કે તેના નેતૃત્વમાં કેટલીક જગ્યાએ નબળાઈઓ અને ખામીઓ રહી હતી. પાર્ટીએ આંતરિક શિસ્ત મજબૂત બનાવવા અને વ્યવસ્થામાં રહેલી ખામીઓને દૂર કરવા માટે કડક પગલાં લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.શી જિનપિંગના ત્રીજા કાર્યકાળ દરમિયાન અત્યાર સુધીમાં 51 અધિકારીઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેમના પ્રથમ કાર્યકાળમાં 35 અને બીજા કાર્યકાળમાં પાંચ અધિકારીઓ સામે આવી કાર્યવાહી કરવામાં આવી હતી.

લાખો લોકો સામે શિસ્તભંગની કાર્યવાહી, શી જિનપિંગની સત્તા વધુ મજબૂત
ચીનની ભ્રષ્ટાચાર વિરોધી દેખરેખ સંસ્થાઓએ આ વર્ષના પ્રથમ નવ મહિનામાં પાર્ટીના વિવિધ સ્તરે 6.80 લાખ વ્યક્તિઓ સામે શિસ્તભંગનાં પગલાં લીધાં હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
સેન્ટ્રલ કમિશન ફોર ડિસિપ્લિન ઇન્સ્પેક્શનના ડેપ્યુટી સેક્રેટરી ઝાંગ ફુહાઈએ ઓક્ટોબરની બેઠક બાદ જણાવ્યું હતું કે દેશભરની શિસ્ત અને દેખરેખ સંસ્થાઓએ 81.05 લાખ કેસ નોંધ્યા હતા અને 79.22 લાખ વ્યક્તિઓને દંડિત કર્યા હતા. આ કાર્યવાહી હેઠળ 963 અધિકારીઓનો પણ સમાવેશ થયો હતો.શી જિનપિંગ હાલમાં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી, રાજ્ય અને સેનાના વડા તરીકે તેમના ત્રીજા પાંચ વર્ષના કાર્યકાળમાં છે. એવી વ્યાપક અપેક્ષા છે કે તેઓ 2027માં યોજાનારી આગામી પાર્ટી કોંગ્રેસમાં ચોથી મુદત માટે પોતાનો દાવો રજૂ કરશે.
