ભક્તિ અને પરંપરાની જીવંત પરંપરા
મહેસાણા જિલ્લામાં આવેલા પાલોદર ગામે વર્ષો જુનું શ્રી ચોસઠ જોગણીઓ માતાજીનું મંદિર આવેલું છે. આ સ્થાન માત્ર ધાર્મિક મહત્વનું જ નથી, પણ પાંડવ પુત્ર સહદેવ સાથે જોડાયેલી લોકકથાઓના કારણે પણ વિશિષ્ટ બનેલું છે.
સ્થાનિક કથાઓ પ્રમાણે હસ્તિનાપુરથી દ્વારકા જતા પંથમાં સહદેવ જયારે ખાંડવ વનમાં પહોંચ્યા ત્યારે માતા જોગણીઓએ બાળા સ્વરૂપે તેમનો માર્ગ અટકાવ્યો હતો. અહીં ભયાનક યુદ્ધ થયું હતું જેમાં માતાજી પર બાણ વાગતાં ધરતી પર પડેલા લોહીના ટીપાથી ચોસઠ જોગણીઓની ઉત્પત્તિ થયાની માન્યતા છે.
આ યોગિનીઓ, જેને શાસ્ત્રોમાં દેવીઓના રૂપ માનવામાં આવે છે, તેઓ મહાકાળી કે દુર્ગાના અંશરૂપ છે. તેમ જ તેમનાં આઠ-આઠના કુલ આઠ મંડળ હોય છે, દરેક મંડળમાં અલગ સ્વરૂપની દેવી હોય છે.
પાલોદર મંદિરના પૂજારી લાલભાઈ નાયક જણાવે છે કે, યોગિનીઓ દેવીઓની શક્તિ છે અને તેમનું દર્શન મનોકામનાઓ પુર્ણ કરાવનારું માનવામાં આવે છે.
પાંડવોના યુગ સાથે પાલોદરનું ઐતિહાસિક સંબંધ હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે, જ્યારે પાંડવો રાજસૂય યજ્ઞ માટે રાજાઓને આમંત્રણ આપવા નીકળ્યા ત્યારે સહદેવ દક્ષિણ દિશામાં જતા ખાંડવ વનમાં આવ્યા. ત્યાં માતાજીએ યુદ્ધની શરત મૂકી, પરંતુ સહદેવે નમ્રતા દર્શાવી માતાજીને પોતાની માતા માની શરણાગતિ આપી. માતાજી તેમાથી પ્રસન્ન થઈ તેમને આગળ વધવા આશીર્વાદ આપ્યા…
પરંપરાગત મેળા અને ઉત્સવો
મંદિરના ટ્રસ્ટી લક્ષ્મણભાઈ દેસાઈ જણાવે છે કે, દર વર્ષે માતાજીના વિવિધ ઉત્સવો અને લોકમેળાઓ ધૂમધામથી ઉજવાય છે. ફાગણ વદ પંચમના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે, જેમાં માતાજીને યંત્ર ચડાવવામાં આવે છે અને ભવ્ય શોભાયાત્રા નીકળે છે.
જોગણી માતાજીના ભુવા રમેશજી ઠાકોર આ પ્રસંગે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ દિવસે સળગતી સગડીઓના દર્શનનો લાભ જનમંગળ માટે આપવામાં આવે છે. માત્ર ઘઉંની સેવાથી નૈવેદ્ય ધરવામાં આવે છે.
ફાગણ માસના અગિયારસ અને બારસના દિવસે માતાજીનો વિશાળ મેળો ભરાય છે, જેમાં હજારો ભક્તો ભાગ લે છે. ઉપરાંત આસો સુદ દસમના દિવસે માતાજીનો રથયાત્રા પણ ઉજવવામાં આવે છે.