‘ન માફી માંગીશ, ન પસ્તાવો છે’, CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર રાકેશ કિશોરનું નિવેદન આવ્યું સામે
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) પર ભરેલી કોર્ટમાં જૂતું ફેંકનાર વ્યક્તિએ સ્પષ્ટતા આપી છે અને તેણે આ મામલે માફી ન માંગવાની વાત કરી છે. રાકેશ કિશોરે કહ્યું છે કે તેને તેના કૃત્યનો કોઈ પસ્તાવો નથી, તેથી તે મુખ્ય ન્યાયાધીશની જરાય માફી નહીં માંગે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર વકીલ રાકેશ કિશોરનું નિવેદન સામે આવ્યું છે. તેનું કહેવું છે કે તેને પોતાના કૃત્યનો ન તો કોઈ પસ્તાવો છે અને ન તો તે માફી માંગશે. ઉલ્લેખનીય છે કે 6 ઓક્ટોબરે વકીલ રાકેશ કિશોરે સુપ્રીમ કોર્ટની કોર્ટ નંબર-1માં મુખ્ય ન્યાયાધીશ (CJI) ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનું નિશાન ચૂકી ગયું હતું. તેણે સનાતન ધર્મના નારા લગાવતા જૂતું ફેંક્યું હતું. CJI ગવઈએ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી, પરંતુ પોલીસે રાકેશને પકડી લીધો હતો.
બાર કાઉન્સિલે આરોપીને કર્યો સસ્પેન્ડ
સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર જનરલે રાકેશ કિશોર વિરુદ્ધ કોઈ કેસ દાખલ કરવાનો ઇનકાર કરતાં પોલીસે તેને મુક્ત કરીને ઘરે મોકલી દીધો હતો અને તેનું જૂતું પણ પરત કરી દીધું હતું. જોકે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) એ રાકેશ કિશોરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે અને કહ્યું છે કે હવે તે સમગ્ર દેશમાં ક્યાંય પણ વકીલાત કરી શકશે નહીં. તેની વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. આ દરમિયાન રાકેશ કિશોરે મીડિયા સાથે વાતચીત કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો અને જણાવ્યું કે તેણે દેશના મુખ્ય ન્યાયાધીશ પર ભરેલી કોર્ટમાં જૂતું કેમ ફેંક્યું.
આ કારણથી CJI ગવઈ પર ફેંક્યું હતું જૂતું
રાકેશ કિશોરે કહ્યું કે, “ન હું નશામાં હતો અને ન તો મને ડર લાગી રહ્યો હતો. હું આહત હતો, મારા દિલને ચોટ લાગી હતી. કોર્ટમાં ગઈકાલે જે કંઈ પણ થયું, તેનો મને કોઈ પસ્તાવો નથી.” તેણે જૂતું ફેંકવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે, 16 સપ્ટેમ્બર 2025ના રોજ મુખ્ય ન્યાયાધીશ ગવઈની કોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) આવી હતી. મુખ્ય ન્યાયાધીશે અરજી પર સુનાવણી કરી, પરંતુ મજાક ઉડાવતા કહ્યું કે, ‘જાઓ અને મૂર્તિ પાસે પ્રાર્થના કરો. તેને તેનું માથું પાછું લગાવવા માટે કહો.’ કિશોરે સવાલ ઉઠાવ્યો કે શું સનાતન ધર્મ સાથે જોડાયેલા કેસની સુનાવણી આ રીતે થાય છે? અરજદારને રાહત ન આપો, પણ તેની મજાક તો ન ઉડાવો.
#WATCH | Delhi: Countered on his action against the highest position holder in judiciary, suspended Advocate Rakesh Kishore, who attempted to hurl an object at CJI BR Gavai, says, “…CJI should think that when he is sitting on such a high constitutional post, he should… pic.twitter.com/6WgPZmQjO7
— ANI (@ANI) October 7, 2025
CJI એ પદની ગરિમા જાળવવી જોઈએ
રાકેશ કિશોરે કહ્યું કે મુખ્ય ન્યાયાધીશ ગવઈ આટલા ઊંચા અને બંધારણીય પદ પર બેઠા છે, તો તેમને તેની ગરિમા જાળવી રાખવી જોઈએ. ‘માયલોર્ડ’ કેમ કહેવામાં આવે છે, તેનો અર્થ સમજવો જોઈએ. મોરેશિયસમાં તેમણે કહ્યું કે ભારત દેશ બુલડોઝરથી નહીં ચાલે, તો મુખ્ય ન્યાયાધીશ જણાવે કે શું યોગી આદિત્યનાથ સરકારી સંપત્તિ પર અતિક્રમણ કરનારાઓ પર બુલડોઝરની કાર્યવાહી કરીને ખોટું કરી રહ્યા છે? ન્યાય કરનાર જજને સંવેદનશીલ હોવું જોઈએ. “મારું મન ખૂબ દુઃખી છે, તેથી હું ન તો માફી માંગવાનો છું, ન તો મને મારા કૃત્યનો અફસોસ છે,” તેમ કહીને તેણે પોતાનું નિવેદન પૂરું કર્યું.