યુપી: સીએમ યોગીએ મુસ્તફાબાદનું નામ બદલ્યું, હવે આ નામથી ઓળખાશે, પોતે જ કરી જાહેરાત
સીએમ યોગીએ લખીમપુર-ખીરીના ગામ મુસ્તફાબાદનું નામ બદલવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર લખીમપુર ખીરી જિલ્લાના મુસ્તફાબાદ ગામનું નામ બદલીને “કબીરધામ” કરવા માટે પ્રસ્તાવ લાવશે.
યુપીના લખીમપુર-ખીરીમાંથી આ સમયના મોટા સમાચાર સામે આવ્યા છે. સીએમ યોગીએ અહીંના ગામ મુસ્તફાબાદનું નામ બદલી નાખ્યું છે. હવે આ ગામ કબીરધામના નામથી ઓળખાશે. સીએમ યોગીએ પોતે લખીમપુર-ખીરીમાં મંચ પરથી જનતાને સંબોધિત કરતા આ વાતની જાહેરાત કરી.
સીએમ યોગી આદિત્યનાથે લખીમપુર ખીરીના મંચ પરથી કહ્યું કે, તમે યાદ કરો, આજે યુપીમાં અમારી ડબલ એન્જિનની સરકાર છે. અમે મુખ્ય ધર્મસ્થાનોનો પુનરુદ્ધાર કરી રહ્યા છીએ, નહીં તો પહેલા પૈસા કબ્રસ્તાનની બાઉન્ડ્રીમાં જતા હતા. અમે અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યું, ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરી દીધું, હવે મુસ્તફાબાદનું નામ પણ બદલીને કબીરધામ કરવામાં આવશે.

રેલવે સ્ટેશન અને સ્થળોના બદલાયેલા નામ
આ પહેલા મુગલસરાય રેલવે સ્ટેશનનું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન કરવામાં આવ્યું હતું. ઝાંસી રેલવે સ્ટેશનનું નામ વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું હતું. મુગલસરાય તહસીલનું નામ પણ પંડિત દીન દયાલ ઉપાધ્યાય કરી દેવામાં આવ્યું હતું.
અમેઠીમાં પણ આઠ રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે. ફુરસતગંજ સ્ટેશનનું નામ તપેશ્વરનાથ ધામ કરવામાં આવ્યું છે. કાસીમપુર હોલ્ટનું નામ જાયસ સિટી કરવામાં આવ્યું હતું. જાયસ સ્ટેશનનું નામ ગુરુ ગોરખનાથ ધામ રાખવામાં આવ્યું છે. બની રેલવે સ્ટેશનનું નામ સ્વામી પરમહંસ રાખવામાં આવ્યું છે. મિસરોલીનું નામ મા કાલિકન ધામ કરવામાં આવ્યું હતું. નિહાલગઢ રેલવે સ્ટેશનનું નામ મહારાજા બિજલી પાસી રાખવામાં આવ્યું હતું. અકબરગંજ સ્ટેશનનું નામ મા અહોરવા ભવાની ધામ અને વારીસગંજનું નામ અમર શહીદ ભાલે સુલતાન રાખવામાં આવ્યું છે. લખનઉમાં બર્લિંગટન ચૌરાહાનું નામ અશોક સિંઘલ કરવામાં આવ્યું છે. સિકંદરાબાગ ચાર રસ્તાનું નામકરણ વીરાંગના ઉદા દેવી રાખવામાં આવ્યું છે.
મુસ્તફાબાદનું નામ બદલી કબીરધામ કરવાની જાહેરાત
સીએમ યોગીએ કહ્યું, અમે તમામ ધર્મસ્થળોના સૌંદર્યીકરણ અને પુનરુદ્ધારનું કામ કરી રહ્યા છીએ. અમે કાશી, મથુરા અને અયોધ્યા જ નહીં, પરંતુ મથુરા, વૃંદાવન, ગોકર્ણ સહિત જન આસ્થા સાથે જોડાયેલા તમામ ધાર્મિક સ્થળોનું પુનર્નિર્માણ કરી રહ્યા છીએ.

મુખ્યમંત્રી યોગીએ કહ્યું, હું જ્યારે અહીં આવ્યો તો મેં પૂછ્યું કે આ ગામનું નામ શું હતું, તો જાણવા મળ્યું કે મુસ્તફાબાદ. મેં પ્રસ્તાવ મંગાવીને અહીંનું નામ બદલવા માટે કહ્યું છે. ભાઈઓ અને બહેનો, આ જ છે આત્મીયતાનો ભાવ. આ લોકોએ અયોધ્યાને ફૈઝાબાદ કર્યું હતું અને પ્રયાગરાજને અલાહાબાદ કર્યું હતું. અમે તેને બદલ્યું છે. પહેલા પૈસા કબ્રસ્તાનની બાઉન્ડ્રીમાં જતા હતા, અમે તેને બદલ્યું છે.

