અનોખી અને પરંપરાગત નારિયેળની ટપ્પાની રમત આ વખતે ફિકી પડી ગઈ
અષાઢ માસની અમાસ એટલે દિવાસા – આદિવાસી સંસ્કૃતિમાં મહત્વ ધરાવતો તહેવાર, જ્યાં નારિયેળની ટપ્પાની રમતમાં હજારો લોકો ઉમટતા હતા. શહેરભરમાં હજારો નારિયેળ વેચાતા અને ફાટતા, પણ આ વર્ષે આ દૃશ્યો ક્યાંક ગુમ થઈ ગયાં છે.
મોંઘા નારિયેળ અને ખેડૂતનો શોભાયાત્રાથી ગેરહાજર રહેવું
આ વર્ષે નારિયેળના ભાવમાં બમણો વધારો થયો છે. અગાઉ એક નારિયેળ રૂ. ૨૦માં મળતું , તે હવે રૂ. ૪૦માં મળે છે. ખેડૂતોએ જણાવ્યા પ્રમાણે કેરીનો પાક નિષ્ફળ રહ્યો અને મેઘરાજા પણ મોડા આવ્યા…, જેના લીધે રોપણીનું કામ હજુ ૩૦ થી ૪૦ ટકા બાકી છે. રોપણીમાં વ્યસ્ત રહેલા ખેડૂતો અને તેમના પરિવારજનો તહેવારના આયોજનમાં ભાગ લઈ શક્યા ન હતા.
પરંપરા કે જે હવે ગણતરીના લોકોએ જ નિભાવી
ધરમપૂર શહેરમાં અગાઉ હજારો લોકો ભેગા થઈ આ નારિયેળ ફોડવાની રમત રમતા. હવે માત્ર ગણતરીની લારીઓ અને દુકાનો પર આ રમત જોવા મળી. ટપ્પાની રમતમાં બે વ્યક્તિ સામસામે ઊભા રહી, એક નારિયેળ હાથમાં રાખે અને બીજું ટકરાવે છે – જેના નારિયેળ ફાટે, એ હાર માને.
હજુ થોડાં વર્ષો પહેલાં ધરમપુરના બજારમાં માનવ કીડિયારું જોવા મળતું, આજે માત્ર થોડી જ દુકાનો પર ટપ્પાની આ રમત દેખાઈ. પાસેના પારડી ગામ સહિત અનેક વિસ્તારોમાં પણ રમનારાઓની સંખ્યા ઘટી ગઈ હતી.
મહિલાઓનો ઉમદા હિસ્સો
આ વર્ષે નવપરિણીતાઓએ દિવાસાના દિવસે જીવરતનું વ્રત કર્યું હતું. ખાસ વાત એ રહી કે પહેલા માત્ર પુરુષો રમતા અને આ રમતમાં આ વર્ષે મહિલાઓએ પણ ટપ્પાની રમતમાં ભાગ લીધો.
ફૂટેલા નારિયેળોનો કોપરાપાક બનાવી ૨૦ રૂપિયા પ્રતિ નારિયેળે વેચવામાં આવ્યો હતો. લોકો કોપરા પાકનો રસાસ્વાદ પણ લેતા જોવા મળ્યા હતા.
દિવાસાથી તહેવારની સીઝનની શરૂઆત
દિવાસાનો તહેવાર માત્ર એક દિવસનો ઉત્સવ નથી – તે શ્રાવણ, રક્ષાબંધન, ગણેશ ઉત્સવ, નવરાત્રી અને દિવાળીની શૃંખલા માટે આરંભબિંદુ ગણાય છે. આ કારણે પણ દિવાસાની ઉજવણી ધરમપુર અને આસપાસના વિસ્તારોમાં ખાસ છે. પરંતુ આ વર્ષે મોંઘવારી, પાકનુ નુકસાન અને મોડા વરસાદના કારણે જમાવટ ન જોવા મળતાં તહેવારની ઉજવણીમાં ઉમેરી શકાય તેવો રંગ નથી રહ્યો.