OLAનાં ફાઉન્ડર ભાવિશ અગ્રવાલ સહિત અન્યો સામે ફરિયાદ દાખલ, સ્યુસાઈડ કરનાર કર્મીએ લગાવ્યા હતા આરોપ
બેંગલુરુ પોલીસે ઓલા ઇલેક્ટ્રિકના વાહન હોમોલોગેશન અને નિયમન વિભાગના વડા સુબ્રત કુમાર દાસ અને સ્થાપક ભાવિશ અગ્રવાલ સામે તેમના સાથીદાર કે. અરવિંદની આત્મહત્યાના સંદર્ભમાં કેસ દાખલ કર્યો છે.
કંપનીના કોરામંગલા ઓફિસમાં હોમોલોગેશન એન્જિનિયર, અરવિંદે 28 સપ્ટેમ્બરના રોજ ઝેર પીને પોતાનું જીવન સમાપ્ત કર્યું હતું. પરિસ્થિતિની જાણ થતાં તેના મિત્રો તેને ચિક્કલસાંડ્રા સ્થિત તેના ઘરની નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. જોકે, તેણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
અશ્વિન કન્નને તેના ભાઈ કે. અરવિંદની 28 પાનાની સ્યુસાઇડ નોટ મળી આવ્યા બાદ સુબ્રમણ્યપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં દાશ અને અગ્રવાલ દ્વારા કાર્યસ્થળે હેરાનગતિ અને તેમના પગાર બાકી અને અન્ય ભથ્થાં નકારવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ફરિયાદીએ જણાવ્યું હતું કે કંપનીએ તેમના મૃત્યુ પછી બે દિવસમાં જ તેના મૃત ભાઈના બેંક ખાતામાં 17,46,313 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જેનાથી છુપાવવાના પ્રયાસની શંકા ઉભી થઈ હતી.
ફરિયાદના આધારે, પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 ની કલમ 108 હેઠળ દાસ, અગ્રવાલ અને અન્ય અનામી લોકો સામે ‘આત્મહત્યા માટે ઉશ્કેરવા’નો કેસ નોંધ્યો છે.
ઓલા ઇલેક્ટ્રિકે કર્ણાટક હાઇકોર્ટમાં FIR ને પડકારી છે. કંપનીએ કહ્યું કે કોર્ટે તેના પક્ષમાં રક્ષણાત્મક આદેશો પસાર કર્યા છે.
ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારા સાથીદાર અરવિંદના દુર્ભાગ્યપૂર્ણ અવસાનથી અમને ખૂબ જ દુઃખ થયું છે, અને આ મુશ્કેલ સમયમાં અમારી સહાનૂભૂતિ તેમના પરિવાર સાથે છે. અરવિંદ સાડા ત્રણ વર્ષથી વધુ સમયથી ઓલા ઇલેક્ટ્રિક સાથે સંકળાયેલો હતો અને બેંગ્લોરમાં અમારા મુખ્યાલયમાં કાર્યરત હતો.
કંપનીએ નિવેદનમાં ઉમેર્યું હતું કે તેના કાર્યકાળ દરમિયાન, અરવિંદે ક્યારેય રોજગાર અથવા કોઈપણ ઉત્પીડન અંગે કોઈ ફરિયાદ કરી ન હતી. તેની ભૂમિકામાં પ્રમોટર સહિત કંપનીના ટોચના મેનેજમેન્ટ સાથે કોઈ સીધી વાતચીતનો સમાવેશ થતો ન હતો.
નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે કે પરિવારને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે, કંપનીએ તાત્કાલિક સંપૂર્ણ અને અંતિમ સમાધાનની સુવિધા આપી. ઓલા ઇલેક્ટ્રિક તેમની ચાલુ તપાસમાં અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપી રહી છે અને બધા કર્મચારીઓ માટે સલામત, આદરણીય અને સહાયક કાર્યસ્થળ જાળવવા માટે પ્રતિબદ્ધ છે.