Complaint Redressal System in Gujarat: WhatsApp હેલ્પલાઇન અને ‘Connect App’ મારફતે લોકોને મળી રહી છે ઝડપી સેવા
Complaint Redressal System in Gujarat: નવસારી મહાનગર પાલિકા હવે નાગરિકોને સરળ અને ઝડપી જાહેર સેવાઓ પૂરી પાડવા માટે ટેકનોલોજી આધારિત Complaint Redressal System (CCRS) અમલમાં મૂકી રહી છે. ચોમાસા દરમિયાન આવતી રસ્તાની હાલત જેવી સમસ્યાઓના નિરાકરણ માટે WhatsApp અને Connect Mobile App દ્વારા એક નવા યુગની શરૂઆત થઈ છે, જે જનસહભાગિતાને પ્રોત્સાહન આપે છે.
ભારે વરસાદમાં તૂટેલા રસ્તાઓના તાત્કાલિક સમારકામ માટે તુરત પગલાં
ચોમાસામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તા અને પુલોને નુકસાન પહોંચ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના માર્ગ અને મકાન વિભાગે તમામ શહેર અને નગર પાલિકાઓને તાત્કાલિક સમારકામ માટે કડક સૂચના આપી છે.
તે અનુસંધાને, નવસારી મહાનગર પાલિકા દ્વારા કમિશનર દેવ ચૌધરીના નેતૃત્વમાં જનસેવા માટે નવા પ્રયાસો કરવામાં આવ્યા છે. 8 જુલાઈ 2025થી નવી ઝુંબેશ શરૂ કરી છે, જેમાં WhatsApp હેલ્પલાઇન નંબર 87992 23046 જાહેર કરવામાં આવ્યો છે. નાગરિકો તૂટેલા રસ્તા કે ખાડાઓ અંગે સ્થળની વિગતો સાથે ફોટા મોકલી શકે છે.
85% ફરિયાદોનું નિવારણ એક જ દિવસમાં
આ નવી સિસ્ટમ અમલમાં આવ્યા પછી, મહાનગર પાલિકા દરરોજ સરેરાશ 80થી વધુ ફરિયાદો પ્રાપ્ત કરી રહી છે. તેમાથી લગભગ 85% ફરિયાદોનું નિરાકરણ એજ દિવસે કરવામાં આવી રહ્યું છે. બાકીની ફરિયાદો 24 કલાકની અંદર ઉકેલાઈ રહી છે. વરસાદ ઓછો હોય ત્યારે પેચ વર્ક ઝડપી કરવામાં આવી રહ્યું છે જેથી લોકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે.
એક ખાસ મોબાઇલ ટીમ પણ કાર્યરત કરવામાં આવી છે જે તકેદારીપૂર્વક ખાડા ભરવાનું કાર્ય અવિરત રીતે કરી રહી છે.
‘NMC Connect App’ માં નવી સુવિધા ઉમેરાઈ
વધુ પ્રતિસાદ મેળવવા અને કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે, 9 જુલાઈથી NMC Connect મોબાઇલ એપ્લિકેશનમાં “Road Demand Request” નામની નવી ફીચર ઉમેરવામાં આવી છે. આ સુવિધા દ્વારા નાગરિકો સરળતાથી તેમનાં વિસ્તારના રસ્તાની જરૂરિયાતોની માહિતી આપી શકે છે. આ માહિતી CCRS પોર્ટલ સાથે સીધી જોડાયેલી હોવાથી કાર્યવાહી ઝડપથી શરૂ કરી શકાય છે.
નવસારી મહાનગર પાલિકા સતત ટેકનોલોજીના ઉપયોગથી નાગરિકોની ફરિયાદોનો ઝડપથી ઉકેલ લાવવા માટે પ્રયાસશીલ છે. આવી વ્યવસ્થાઓ દ્વારા નાગરિકોની સમસ્યાઓ હવે લાંબા સમય સુધી અટકી રહી ન શકે તેવું પરિસ્થિતિ સર્જાઈ છે — અને આ એક નવા મોડલ શહેર માટે દિશા દર્શાવે છે.