જગદીપ ધનખરના ગાયબ થવાની વાતે હંગામો: સંજય રાઉતે અમિત શાહને લખ્યો પત્ર
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના અચાનક રાજીનામા અને ત્યારબાદ તેમના ગાયબ થવા જેવી ચિંતાજનક ઘટનાઓને લઈને રાજકીય ઉથલપાથલ વધી ગઈ છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે આ મામલે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી સવાલ ઉઠાવ્યા છે અને સત્તાવાર માહિતી આપવાની માંગ કરી છે.
સંજય રાઉતે તેમના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે 21 જુલાઈ, 2025ના રોજ ધનખર સંપૂર્ણ સ્વસ્થ દેખાતા હતા અને તેમણે રાજ્યસભાની કાર્યવાહી પણ શસ્ત રીતે સંચાલિત કરી હતી. પરંતુ એ જ સાંજ સ્વાસ્થ્યના કારણો બતાવીને ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધું. તેમ છતાં, રાજીનામા બાદથી જ તેમનું કોઈ અતાપતું નથી અને ન તો તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર ઘોષણા થઈ છે અને ન તો તેમનું હાલનું સ્થાન જાહેર થયું છે.
સાંસદ સંજય રાઉતે દાવો કર્યો કે ધનખરના સ્ટાફ સાથે પણ કોઈ સંપર્ક થયો નથી
અને દિલ્હીમાં એવી અફવાઓ ફેલાઈ રહી છે કે તેઓ પોતાના નિવાસસ્થાને કેદ છે. રાઉતે ગંભીર આશંકા વ્યક્ત કરી છે કે એવું પણ બની શકે છે કે તેમની સલામતી પર સંકટ છે. તેમણે કહ્યું કે, “આ પરિસ્થિતિ માત્ર ચિંતાજનક જ નહીં પરંતુ લોકશાહી માટે પણ ખલેલકારક છે.”
રાઉતે વધુમાં જણાવ્યું કે રાજ્યસભાના કેટલાક સભ્યો
હવે સુપ્રીમ કોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવાનો વિચાર કરી રહ્યા છે જેથી ધનખરના સ્થાને અને સ્વાસ્થ્ય અંગે સત્ય બહાર આવી શકે. તેમનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ સંવિધાનિક પદ પરથી અચાનક રાજીનામું આપે અને પછી અદૃશ્ય થઈ જાય, તો દેશને એ જાણવાનો પૂરો અધિકાર છે કે આ પાછળનું સત્ય શું છે.
તેમણે ગૃહમંત્રી અમિત શાહને વિનંતી કરી છે કે વહીવટીતંત્ર આ મામલે તરત સ્પષ્ટતા કરે અને દેશની જનતાને અને સાંસદોને સાચી માહિતી આપે.