માતાના મઢના પદયાત્રિકોને મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ
કચ્છની કુળદેવી આઇ આશાપુરાના દર્શન કરવા માટે માતાના મઢ ખાતે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે. આ વર્ષે પણ પદયાત્રીકોનો પ્રવાહ શ્રાદ્ધપક્ષથી જ શરૂ થઇ ગયો હતો. જેમના માટે સામખિયાળીથી લઇને છેક રવાપર સુધી સેવાભાવિઓ દ્વારા ઠેર-ઠે૨ સેવા કેમ્પો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પદયાત્રીઓને માર્ગમાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે.
બેગ, લાઠી તેમજ અન્ય વસ્તુઓ ઉપર ૫૦૦ જેટલા રેડીયમ રિફલેક્ટર લગાવાયા
આ અંગે જિલ્લા ટ્રાફિક શાખાના પી.આઇ. જે.ડી.સરવૈયાએ જણાવ્યું હતું કે, ભુજ-મિરજાપર હાઇવે પર જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા રાત્રિના સમયે રસ્તા પર ચાલતા પદયાત્રીઓ પર વાહનચાલકોની દૂરથી નજર પડે તે માટે પદયાત્રીઓની બેગ, લાઠી તથા અન્ય ચીજવસ્તુઓ પર ૫૦૦ જેટલા રેડિયમ રિફલેક્ટર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી.
એક મોબાઇલ વાહન રસ્તામાં જ્યારે બીજું માતાના મઢમાં મુકાયું
કચ્છના જિલ્લા ટ્રાફિક પી.આઇ. જે.ડી.સરવૈયાના માર્ગદર્શન હેઠળની ટીમ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, માનકુવાથી માતાનામઢ સુધી ૧ જિલ્લા ટ્રાફિક શાખા મોબાઇલ રૂટ પેટ્રોલિંગ કરીને ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત એક મોબાઇલ માતાના મઢ ખાતે ટ્રાફિક વ્યવસ્થામાં મુકવામાં આવી છે.