જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ચેમ્પિયન્સ ટ્રોફી આવતીકાલથી રોમાંચક વાતાવરણમાં શરૃ થઇ રહી છે. કરોડો ચાહકોની નજર હવે ચેમ્પિન્સ ટ્રોફી પર કેન્દ્રિત થઇ ગઇ છે. પ્રથમ દિવસે આવતીકાલે યજમાન ઇંગ્લેન્ડ બાંગ્લાદેશ સામે મેચ રમશે. આવતીકાલે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની શરૃઆત થયા બાદ ૧૮મી જૂન સુધી મેચો ચાલનાર છે.
આઇસીસી વનડે ચેમ્પિયનશીપ રેન્કિંગમાં ટોપ આઠમાં રહેલી ટીમો મેદાનમાં ઉતરનાર છે. બાંગ્લાદેૈશની ટીમ આ વખતે વેસ્ટ ઇન્ડિઝની જગ્યાએ રમી રહી છે. કારણ કે વેસ્ટ ઇન્ડિઝ યાદીમાં નવમા ક્રમ પર છે. વર્ષ ૨૦૦૬ બાદથી બાગ્લાદેશની ટીમ પ્રથમ વખત પરત ફરી છે. જેથી તેના ખેલાડીઓ પણ ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. જ્યારે વિન્ડીઝ માટે પ્રતિષ્ઠાને મોટો ફટકો પડયો છે. કારણ કે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રથમ વખત રમી રહી નથી. હાલમાં જ માન્ચેસ્ટરમાં હુમલો કરવામાં આવ્યા બાદ મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સુરક્ષા પાસાની સમીક્ષા કરવામાં આવી ચુકી છે. દરેક ટીમને કેટલીક સુચના પણ આપવામાં આવી છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પહેલી જૂનથી ૧૮મી જૂન સુધી ઈંગ્લેન્ડમાં કરવામાં આવ્યું છે. ભારતીય ટીમ વર્તમાન ચેમ્પિયન તરીકે છે. ભારતીય ટીમ આ ટ્રોફીને જાળવી રાખવાના ઈરાદા સાથે વિરાટ કોહલીના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. ચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લે ૨૦૧૩માં રમાઈ હતી. જેમાં ભારતે ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી. ભારતીય ટીમ શાનદાર દેખાવ કરવા માટે સજ્જ છે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ ચોથી જૂનના દિવસે તેના પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે રમીને શરૃઆત કરશે. ત્યારબાદ અન્ય ટીમો સામે ભારતીય ટીમની મેચો રહેશે. ભારતીય ટીમની પસંદગી આજે કરવામાં આવ્યા બાદ એવી ચર્ચા છે કે બિલકુલ સંતુલિત ટીમ મેદાનમાં ઉતારવામાં આવી છે. ભારતીય ટીમ પ્રથમ મેચ પાકિસ્તાન સામે એજબેસ્ટન ખાતે રમશે. ત્યારબાદ આઠમી જૂને શ્રીલંકા સામે અને ૧૧મી જૂનના દિવસે દક્ષિણ આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની આઠમી મેના દિવસે જાહેરાત કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયામાં રોહિત શર્મા, આર.અશ્વિન, મોહંમદ સામી અને યુવરાજસિંહની વાપસી કરાઇ હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય ભારતીય ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયામાં ફરી એકવાર યુવરાજને તક મળી છે. રોહિત શર્મા અને શિખર ધવનની પણ વાપસી થઈ છે.
ટીમમાં આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર મનિષ પાંડે અને હાર્દિક પંડયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ૫૦ ઓવરની મેચમાં અનુભવ અને ઇંગ્લેન્ડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ટીમની પસંદગી કરવામાં આવી હતી. આઈસીસીની બીજી સૌથી મોટી સ્પર્ધા તરીકે આને ગણવામાં આવે છે. હકીકતમાં આઈસીસીના નવા નાણાંકીય મોડલને લઈને બીસીસીઆઈએ નારાજગી વ્યક્ત કરી હતી કારણ કે નવા મોડલ મુજબ તેને મળનાર મહેસુલી રકમ પહેલાની સરખામણીમાં અડધી થશે. એમ માનવામાં આવી રહ્યું હતું કે આઈસીસી ઉપર દબાણ વધારવા અને પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે બીસીસીઆઈ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની ટીમ મોકલશે નહીં. આ અટકળોનો એ વખતે વેગ મળી ગયો હતો જ્યારે ટુર્નામેન્ટ માટે ટીમની જાહેરાતની તારીખ વીતી ગયા બાદ પણ ભારતીય ટીમે ટીમની પસંદગી કરી ન હતી. જો કે મોડેથી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. સૌથી વધારે રોમાંચ ભારત અને પાકિસ્તાનની મેચને રહેશે. કારણ કે બન્ને ટીમો દ્ધિપક્ષીય શ્રેણી વર્ષોથી રમતી નથી. ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે વખત ભારત અને ઓસ્ટ્રેલિયા વિજેતા બન્યા છે. જ્યારે પ્રથમ વખત રમાયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આફ્રિકાની ટીમ વિજેતા બની હતી. વર્ષ ૨૦૧૩માં છેલ્લા ભારતીય ટીમ વિજેતા થઈ હતી.