શારજાહ : શુક્રવારે રમાયેલી પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન એરોન ફિન્ચની જોરદાર સદીની મદદથી પાકિસ્તાનને 8 વિકેટે પરાજય આપ્યો હતો. ફિન્ચે પોતાની 12મી વનડે સદી ફટકારતા 135 બોલમાં 116 રન કર્યા હતા તેણે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેની આ ઇનિંગના કારણે શાહજાહની ફ્લેટ વિકેટ પર ઓસ્ટ્રેલિયાએ 281 રનના લક્ષ્યાંકને 49મી ઓવરમાં બે વિકેટના ભોગે કબજે કરી લીધો હતો.
ફિન્ચ અને શોન માર્શ વચ્ચે 172 રનની મહત્વપૂર્ણ ભાગીદારી
આ મેચમાં ફિન્ચે બીજી વિકેટ માટે શોન માર્શ સાથે મળીને 172 રનની ભાગીદારી કરી હતી. માર્શે 102 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 91 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિ.યાને વિજય માટે 46 રનની જરૂર હતી ત્યારે ફિન્ચ આઉટ થયો હતો. જો કે પીટર હેન્ડ્સકોમ્બે 27 બોલમાં 30 રનની નોટઆઉટ ઇનિંગ રમીને માર્શની સાથે મળીને ટીમને વિજય સુધી દોરી ગયો હતો.
પાકિસ્તાનના હેરિસ સોહેલની પ્રથમ વનડે સદી એળે ગઇ
ફિન્ચની સદીને કારણે પાકિસ્તાનના હેરિસ સોહેલની પ્રથમ વનડે સદી એળે ગઇ હતી. સોહેલની 101 રનની ઇનિંગની મદદથી જ પાકિસ્તાન 50 ઓવરમાં પાંચ વિકેટે 280 રનનો સ્કોર બનાવી શક્યું હતું. તેણે પોતાની 27મી વનડેમાં 1000 રન પણ પુરા કર્યા હતા. પાકિસ્તાને આ મેચમાં શાન મસૂદ અને મહંમદ અબ્બાસને વનડે પદાર્પણની તક આપી હતી. મસૂદે 40 રન બનાવ્યા હતા. બંને વચ્ચે બીજી વનડે રવિવારે શારજાહમાં જ રમાશે.