જયપુર : સોમવારે અહીં રમાયેલી રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં અશ્વિને જોસ બટલરને માંકડિંગ રનઆઉટ કરવાને કારણે પંજાબની ટીમ મેચ તો જીતી ગઇ પણ જે રીતે અશ્વિને બટલરને આઉટ કર્યો તેના કારણે ક્રિકેટ ચાહકોની નજરમાં તે વિલન બની ગયો છે અનેં સોશિયલ મીડિયા પર તેના પર ટીકાઓની ઝડી વરસી રહી છે. મોટાભાગના સોશિયલ મીડિયા યૂઝર્સ એવું માને છે કે અશ્વિને ગેમની સ્પિરીટ નથી દાખવી અને દેશ આખાને શરમમાં મુક્યો છે. લોકોએ આ મામલે ટીકા કરવામાં અશ્વિનની પત્ની પ્રીતિ અને તેની પુત્રીઓ પર પણ આકરી ટીકાઓ કરી છે.
ઇન્સ્ટાગ્રામ પર અશ્વિનની પત્ની અને પુત્રીઓના ફોટા પર યૂઝર્સ દ્વારા આકરી ટીકાઓ કરવામાં આવી રહી છે. એક યૂઝરે લખ્યું હતું કે મેડમ અશ્વિને આજે ઘણી શરમજનક હરકત કરી છે. બટલરને આઉટ કરવાની આવી તુચ્છ રીત અપનાવાઇ તે જોઇને ઘણું ખરાબ લાગ્યું, શરમ આવે છે. અશ્વિને તે ભોગવવું જ પડશે. તો અન્ય એક યૂઝર્સે ટીપ્પણી કરી હતી કે ચીટરની પત્ની શેમ શેમ. એક યૂઝરે લખ્યું હતું કે તારા પતિએ ક્રિકેટમાં કેટલી નીચ હરકત કરી. આજથી મારા મનમાં અશ્વિન માટે કોઇ ઇજ્જત રહી નથી. અશ્વિનની નાનકડી પુત્રીના ફોટા પર લોકોએ કોમેન્ટ કરી હતી કે તારા પિતા તો ચીટર છે, તું પણ ભવિષ્યમાં તેના જેવી જ ચીટર બનશે. પ્રીતિએ કેટલીક પોસ્ટ તો ડીલિટ કરી હતી, પણ તેણે એવો જવાબ પણ આપ્યો હતો કે ત્યાં નિયમ હોય છે, કેમેરા હોય છે, મારી ટાઇમલાઇન છોડો અને અશ્વિનની ટાઇમલાઇન પર જઇને ત્યાં લખો.