૧૦ ઈનિંગ્સમાં તેણે ૧૩.૫૦ની રનરેટ સાથે ૧, ૮, ૨૫, ૦, ૩૯, ૨૮, ૦, ૭, ૬ અને ૨૦ રન નોંધાવ્યા હતા
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એક મોટો ખુલાસો કર્યો છે. કોહલીએ જણાવ્યું કે તેને લાગતું હતું જાણે તે આખા વિશ્વમાં એકલો જ છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર માર્ક નિકોલસ સાથે ‘નોટ જસ્ટ ક્રિકેટ’ પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન કોહલીએ કહ્યું હતું કે તે પ્રવાસ બાદ તે ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થયો હતો.
શું તે ક્યારેય ડિપ્રેશનમાં આવ્યો હતો કે નહીં તેના જવાબમાં કોહલીએ કહ્યું હતું કે, હા હું ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. તમે રન નોંધાવી રહ્યા નથી તેવી લાગણી સાથે ઉઠવું ઘણી ખરાબ લાગણી હતી અને મારા મતે તમામ બેટ્સમેન કારકિર્દીમાં કોઈ એક તબક્કે આવી પરિસ્થિતિમાં આવતા હોય છે.
કોહલી માટે ૨૦૧૪નો ઈંગ્લેન્ડ પ્રવાસ અત્યંત કંગાળ રહ્યો હતો. તેણે પાંચ ટેસ્ટની ૧૦ ઈનિંગ્સમાં ૧૩.૫૦ની સરેરાશ સાથે રન નોંધાવ્યા હતા. તેનો સ્કોર આ પ્રમાણે રહ્યો હતો- ૧, ૮, ૨૫, ૦, ૩૯, ૨૮, ૦, ૭, ૬ અને ૨૦. જાેકે, બાદમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પોતાનું ફોર્મ પરત મેળવી લીધું હતું અને ટેસ્ટ સિરીઝમાં ૬૯૨ રન નોંધાવ્યા હતા.
ઈંગ્લેન્ડ પ્રવાસ અંગે તેણે કહ્યું હતું કે, તમને ખબર જ પડતી નથી કે આમાંથી કેવી રીતે બહાર આવવું. તે એક એવો તબક્કો હતો જ્યાં હું ખરેખર તેમાંથી બહાર આવવા કંઈ કરી શકતો ન હતો. મને લાગતું હતું કે આખા વિશ્વમાં હું એકલો જ છું.
વ્યક્તિગત રીતે તમારી આસપાસ તમને સપોર્ટ કરતા ઘણા બધા લોકો હતા તેમ છતાં મને એકલવાયુ લાગતું હતું. હું જેમની સાથે વાત કરી શકું તેવા લોકો મારી આસપાસ ન હતા તેવું હું કહેતો નથી. પરંતુ એવી પ્રોફેશનલ વ્યક્તિ ન હતી જે મને સમજી શકે કે હું કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આ એક મોટી વાત હતી, તેમ તેણે કહ્યું હતું. વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ કોહલીનું કહેવું છે કે મેન્ટલ હેલ્થના મુદ્દાની અવગણના કરી શકાય નહીં કેમ કે તે કોઈ પણની કારકિર્દીને ખતમ કરી શકે છે. તેણે કહ્યું હતું કે, તમારી પાસે કોઈ એક વ્યક્તિ હોવી જાેઈએ જેની સાથે તમે કોઈ પણ સમયે જઈને વાતચીત કરી શકો અને કહી શકો કે હું શું અનુભવી રહ્યો છું. મને ઊંઘવામાં પણ મુશ્કેલી પડી રહી હતી, મને લાગતું હતું કે હું સવારે ઊઠી રહ્યો નથી. મને મારી જાતમાં કોઈ પણ જાતનો વિશ્વાસ ન હતો.
કોહલી હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ રમવા માટે અમદાવાદમાં છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ રમાશે જે ડે-નાઈટ ટેસ્ટ છે. બંને ટીમો ૨૪ ફેબ્રુઆરીથી ત્રીજી ટેસ્ટ રમશે. હાલમાં ચાર ટેસ્ટની સિરીઝ ૧-૧થી બરાબરી પર છે.