ડોમેસ્ટિક ક્રિકેટમાં રન બનાવવા છતાં સરફરાઝ ખાનને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. સરફરાઝની સતત અવગણના પર ઘણા પૂર્વ ક્રિકેટરોએ પણ સવાલ ઉઠાવ્યા હતા. જો કે, સરફરાઝને હવે નવી ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યાં તે પૃથ્વી શૉ સાથે મળીને બેટથી હંગામો મચાવતો જોવા મળશે.
સરફરાઝને નવી ટીમ મળી
ખરેખર, સરફરાઝ ખાન ભારતની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ દેવધર ટ્રોફીમાં રમતા જોવા મળશે. ચાર વર્ષ બાદ યોજાનારી આ ટુર્નામેન્ટ માટે વેસ્ટ ઝોને સરફરાઝ અને પૃથ્વી શૉને ટીમમાં સામેલ કર્યા છે . ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં ખરાબ રીતે ફ્લોપ થયેલા શૉ પાસે પણ પોતાની ક્ષમતા બતાવવાની આ સુવર્ણ તક હશે. આ બંને સિવાય ટીમના કેપ્ટન પ્રિયાંક પંચાલ પણ પરફોર્મ કરતા જોવા મળશે. તે જ સમયે, રાહુલ ત્રિપાઠી, અંકિત બાવના અને શિવમ દૂબે જેવા ખેલાડીઓ પણ ટૂર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરતા જોવા મળશે.
નીતીશ રાણા ઉત્તર ઝોનની કપ્તાની કરશે
IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ કરનાર નીતિશ રાણાને નોર્થ ઝોનની કપ્તાની સોંપવામાં આવી છે. નીતિશ ઉપરાંત અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, મનદીપ સિંહ, ઋષિ ધવન, સંદીપ શર્મા અને મયંક પણ નોર્થ ઝોનની ટીમમાં રમતા જોવા મળશે. IPL 2023માં નીતિશનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તેણે ટૂર્નામેન્ટમાં કુલ 474 રન બનાવ્યા હતા.
દેવધર ટ્રોફી ચાર વર્ષ પછી રમાશે
દેવધર ટ્રોફી ચાર વર્ષ બાદ વાપસી કરવા જઈ રહી છે. આ વખતે ટૂર્નામેન્ટ 24 જુલાઈથી શરૂ થશે અને ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 3 ઓગસ્ટે રમાશે. જણાવી દઈએ કે દેવધર ટ્રોફી ટૂર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાય છે.