રણજી ટ્રોફી 2022-23ની ફાઈનલ બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે 16 ફેબ્રુઆરીથી ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. બીજી સેમીફાઈનલમાં સૌરાષ્ટ્રે કર્ણાટકને 4 વિકેટે હરાવ્યું હતું. સૌરાષ્ટ્રની ટીમ પાંચમી વખત રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચી છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી સેમીફાઈનલમાં સૌરાષ્ટ્રને જીતવા માટે 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રવિવારે મેચના અંતિમ દિવસે સૌરાષ્ટ્રે આ લક્ષ્યાંક 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. સૌરાષ્ટ્ર અને બંગાળની ટીમ 3 વર્ષ બાદ ફરી રણજી ટ્રોફીની ફાઇનલમાં ટકરાશે. 2020માં બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચેની રણજી ટ્રોફીની ફાઈનલ ડ્રો રહી હતી. પરંતુ પ્રથમ દાવની લીડના આધારે સૌરાષ્ટ્ર ચેમ્પિયન બન્યું હતું.
2020માં સૌરાષ્ટ્રને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ખેલાડી. તેણે આ સિઝનમાં કર્ણાટક સામેની બીજી સેમીફાઈનલમાં શાનદાર બેટિંગ કરી હતી અને ટીમને ફાઇનલમાં લઈ જવાનું કામ કર્યું હતું. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ સૌરાષ્ટ્રનો કેપ્ટન અર્પિત વસાવડા છે. અર્પિતે પ્રથમ દાવમાં બેવડી સદી ફટકારી હતી. તેની બેવડી સદીની મદદથી સૌરાષ્ટ્રે પ્રથમ દાવમાં કર્ણાટકના 407 રનના જવાબમાં 527 રન બનાવ્યા હતા. તેના સિવાય શેલ્ડન જેક્સને પણ 160 રનની ઇનિંગ રમી હતી.
અર્પિતે પ્રથમ દાવમાં બેવડી સદી ફટકારી હતી
આ પછી કર્ણાટકની ટીમ બીજા દાવમાં 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે સૌરાષ્ટ્રને 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ કૃષ્ણપા ગૌતમ અને વાસુકી કૌશિકની ઘાતક બોલિંગના કારણે એક સમયે મેચ સૌરાષ્ટ્રના હાથમાંથી સરકી જતી હોય તેવું લાગી રહ્યું હતું. 115 રનનો પીછો કરતા સૌરાષ્ટ્રે બીજા દાવમાં 42 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ સુકાની અર્પિત વસાવડા એક છેડેથી મક્કમ રહ્યા હતા અને ત્યારબાદ ચેતન સાકરિયા સાથે છઠ્ઠી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી ટીમને જીત અપાવી હતી.
બીજા દાવમાં અણનમ 47 રન ફટકાર્યા હતા
અર્પિતે બીજી ઇનિંગમાં 51 બોલમાં અણનમ 47 રન ફટકાર્યા હતા. પ્રથમ દાવમાં બેવડી સદી અને બીજી ઈનિંગમાં 51 બોલમાં 47 રન બનાવનાર સૌરાષ્ટ્રના કેપ્ટન અર્પિતને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. હવે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર 16 ફેબ્રુઆરીએ રણજી ટ્રોફીની ફાઇનલમાં સૌરાષ્ટ્રનો મુકાબલો બંગાળ સામે થશે. 2020માં જ્યારે સૌરાષ્ટ્ર ચેમ્પિયન બન્યું હતું. ત્યારે પણ અર્પિતે ફાઇનલમાં 106 રન બનાવ્યા હતા. તે સમયે જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્રનો સુકાની હતો અને આ વખતે પણ કદાચ તે ફાઇનલમાં સુકાની કરશે. કારણ કે તેને બીસીસીઆઈ દ્વારા ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ માટે રિલીઝ કરવામાં આવ્યો છે.