ભારતીય ક્રિકેટ ટીમ અને આઇપીએલમાં કમબેકનું સપનું જોઈ રહેલા કેરળનાબોલર એસ શ્રીસંતે વિજય હઝારે ટ્રોફી ટુર્નામેન્ટની લીગ મેચમાં બિહાર સામે ખૂબ જ સારી બોલિંગ કરી હતી અને 4 વિકેટ ઝડપી હતી. કેરળની ચુસ્ત બોલિંગની સામે બિહારની ટીમે 40.2 ઓવરમાં માત્ર 148 રને દમ તોડી દીધો . કેરળને જીત માટે 149 રનનો ટાર્ગેટ હતો. કેરળે 8.5 ઓવરોમાં એક વિકેટ પર 149 રન કર્યા હતા. રોબિન ઉથપ્પાની તોફાની ઈનિંગે માત્ર 8.5 ઓવરમાં 149 રન ફટકારીને જીતમાં ભારે યોગદાન આપ્યું હતું.
ઉથપ્પાએ 10 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકારી અણનમ 87 રન કર્યા હતા
બિહાર સામે ના 149 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે કેરળની ટીમે ધમાકેદાર શરૂઆત કરી હતી. ઓપનિંગમાં આવી રહેલા રોબિન ઉથપ્પા અને વિષ્ણુ વિનોદ સ્પષ્ટ પણે આ ઇરાદા ને જોઈ રહ્યા હતા અને એવું લાગતું હતું કે જાણે તેઓ માત્ર દરેક બોલ પર બાઉન્ડ્રીનો પ્રયાસ કરી રહ્યા છે. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 76 રનની ભાગીદારી થઈ હતી અને ત્યારબાદ વિષ્ણુ વિનોદે 12 બોલમાં 37 રન ફટકાર્યા હતા. વિષ્ણુએ તેની ઈનિંગમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગા માર્યા હતા અને તેનો સ્ટ્રાઇક રેટ 308.33 હતો.
ત્યારબાદ સંજુ સેમસન બેટિંગ કરવા આવ્યો હતો અને તે ઉથપ્પા સાથે જોડાયો હતો અને બંને મળીને જીતનો ટાર્ગેટ 8.5 ઓવરોમાં પૂરો કર્યો હતો. ઉથપ્પાએ 32 બોલમાં 10 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે અણનમ 87 રન ફટકાર્યા હતા અને તેનો સ્ટ્રાઇક રેટ 271.88 હતો. સેમસને 9 બોલમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે અણનમ 24 રન કર્યા હતા અને તેનો સ્ટ્રાઇક રેટ 266.67 હતો.
શ્રીસંતની શાનદાર બોલિંગ
બિહારની ટીમે પ્રથમ રમતમાં માત્ર 148 રન બનાવ્યા હતા અને ટીમના લો સ્કોરમાં કેરળના બોલરો અને ખાસ કરીને એસ શ્રીસંતનો મોટો ફાળો હતો. શ્રીસંતે 9 ઓવરમાં 30 રનથી 4 વિકેટ ઝડપી હતી અને બે ઓવર મેડન પણ ફેંકી હતી. આ ઉપરાંત જલાજ સક્સેનાએ 3 જ્યારે અક્ષય ચૌહાણે એક વિકેટ ઝડપી હતી. બિહાર તરફથી સૌથી મોટી ઈનિંગ બાબુલ કુમારે રમી અને 64 રન બનાવ્યા , ટીમનો અન્ય કોઈ બેટ્સમેન વ્યક્તિગત રીતે 20 રનના આંકડાને સ્પર્શી શક્યો નથી