લંડન, તા.23
ભારતની આઈડીબીઆઈ સહિતની જેવી બેંકોનું કરોડોનું દેવું કરીને લંડનમાં આશ્રય લઈ રહેલા વિજય માલ્યાને ભારત પરત લાવી કાનૂની દાયરામાં લાવવા એક તરફ કેન્દ્ર સરકાર હવાતિયા મારી રહી છે ત્યારે ભારતની અને તેના નાગરિકોની ક્રુર મજાક કરતા હોય તેમ વિજય માલ્યાએ ઈંગ્લેન્ડમાં બેઠા પછી તેની કિંગ ફિશર બિયર બ્રાન્ડનો ધંધો ઈંગ્લેન્ડ, યુરોપ અને ક્રિકેટ રમતા દેશોમાં પ્રસારવાની તક ઝડપી છે.
આઈસીસીના ચેરમેન શશાંક મનોહર છે અને તેઓ માલ્યાના કાળા કરતૂતો અને દેશવાસીઓને કઈ રીતે હતાશ કર્યા છે તે જાણે છે. આમ છતાં વિજય માલ્યાએ ઈંગ્લેન્ડમાં આગામી 1 જૂનથી ભારત સહિત આઠ દેશો વચ્ચે રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફીની ઓફિસિયલ બિયર તરીકે ’કિંગ ફિશર’ બ્રાન્ડ રહેશે તેવા કરાર આઈસીસી જોડે કરી લીધા છે.
નવાઈની વાત તો એ છે કે છ આંકડા કરતા પણ ઓછી (ડોલરમાં) રકમમાં આઈસીસીએ માલ્યાને આ હક્કો આપી દીધા છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની 15 મેચો સોફિયન ગાર્ડન, કાર્ડિફ, એમ્બેસ્ટન, બર્મિંગરામ, ઓવલ અને લંડનમાં રમાનાર છે. બે લાખ જેટલા કુલ પ્રેક્ષકો આ મેચો જોશે. ઈંગ્લેન્ડમાં મેચ જોવા દરમ્યાન બિયર પીવી તે જ ખરી મજા મનાય છે. ભારત અને પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા કે ભારત-ઈંગ્લેન્ડની મેચ વખતે તો ક્રિકેટ ચાહકોની રોમાંચકતા ચરમસીમાએ હશે ત્યારે બિયરનું વેચાણ પણ ચાલતું હશે.
સ્ટેડિયમમાં પ્રેક્ષકો, ખેલાડીઓથી માંડી તમામને ’કિંગ ફિશર’ બિયર જ પીરસાશે. આ ઉપરાંત ટીવી પ્રસારણમાં પણ આ બિયરના લોગો ધરાવતા ગ્લાસ અને બેનર જોવા મળશે.
બ્રિટનના ઈવેન્ટમાં ઓફિસિયલ ડ્રિન્ક બન્યા પછી અન્ય દેશોના ઈવેન્ટ્સમાં માર્કેટ સર કરવું આસાન બની જશે. યુનાઈટેડ બ્રાયુવેરિસમાં ઈન્ડિયા (યુબીઆઈ)માં અન્ય બિયર બ્રાન્ડ ’હેનીકેન’નો 42 ટકા હિસ્સો છે. આમ છતાં માલ્યાએ આ જ કંપનીની અને પોતાની ઓળખ છે તેવી ’કિંગ ફિશર’ને આગળ કરી છે. માલ્યાનો યુબીઆઈ કંપનીમાં 32 ટકા હિસ્સો છે તે હજુ પણ નોન એકિઝક્યુટિવ ચેરમેન છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેને કંપનીમાંથી હટી જવા નિર્દેશ કર્યો છે તો પણ તેઓ માનતા નથી. વિજય માલ્યા લંડનમાં રહીને તેમના બિઝનેસ અને કાનૂની નિષ્ણાંતો જોડેના સંબંધો વ્યૂહાત્મક રીતે ગાઢ બનાવતા જાય છે.