વર્લ્ડ કપ 2023 ફાઈનલ: રવિવારે 19 નવેમ્બરે યજમાન ભારત અને પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. અમદાવાદ શહેર અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છ હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત રહેશે. અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે શહેરના મોટેરા વિસ્તારમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન રિચાર્ડ માર્લ્સ ઉપસ્થિત રહેવાની ધારણા ધરાવતા અગ્રણી વ્યક્તિઓમાં સામેલ થશે.
જીએસ મલિકે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકોની અવરજવર અને અનેક મહાનુભાવોની હાજરીને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ, રેપિડ એક્શન ફોર્સ (RAF), હોમગાર્ડના જવાનો સાથે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જીએસ મલિકે જણાવ્યું હતું કે, “આ પ્રતિષ્ઠિત મેચ કોઈપણ મુશ્કેલી વિના યોજાય તે સુનિશ્ચિત કરવા માટે છ હજારથી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. આ છ હજાર કર્મચારીઓમાંથી, લગભગ ત્રણ હજારને સ્ટેડિયમની અંદર તૈનાત કરવામાં આવશે જ્યારે બાકીના અન્ય મહત્ત્વના સ્થળો, જેમ કે હોટલ જ્યાં ખેલાડીઓ અને અન્ય મહાનુભાવો રોકાશે ત્યાં સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે.
મલિકે કહ્યું કે RAFની એક કંપની સ્ટેડિયમની અંદર તૈનાત કરવામાં આવશે જ્યારે બીજી કંપની સ્ટેડિયમની બહાર તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે શહેર પોલીસે સ્થળની અંદર વાયરલેસ નેટવર્કથી સજ્જ એક અસ્થાયી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવ્યું છે જે મોબાઈલ કમ્યુનિકેશન નિષ્ફળ જાય તો પણ કામ કરશે. મલિકે જણાવ્યું હતું કે ઈન્સ્પેક્ટર જનરલ અને ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલના રેન્કના ચાર વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ અને 23 નાયબ પોલીસ કમિશનર મેચના દિવસે કર્મચારીઓનું નિરીક્ષણ અને માર્ગદર્શન કરશે. મલિકે કહ્યું કે 39 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને 92 પોલીસ ઈન્સ્પેક્ટર તેમની મદદ કરશે.