2008માં જ્યારે આઇપીએલની પહેલી સિઝન રમાઇ ત્યારે તમામની આશાથી વિપરીત શેન વોર્નની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સે ટાઇટલ જીતી લીધુ હતું. વોર્નના પ્રેરણાદાયી નેતૃત્વમાં શરૂઆતના સમયે કાગળ પર સાવ નબળી ગણાતી આ ટીમ ચેમ્પિયન બની ત્યારે બધાને નવાઇ લાગી હતી, જો કે પહેલી સિઝનમાં જોરદાર પ્રદર્શન કરનારી રાજસ્થાન રોયલ્સની ટીમ તે પછીની સિઝનમાં એવું પ્રદર્શન દોહરાવી શકી નથી. તેમાં પણ 2009થી 2012 દરમિયાન તે પોઇન્ટ ટેબલમાં ટોપ-4માં પણ આવી શકી નહોતી., જ્યારે 2013માં તે રાહુલ દ્રવિડની આગેવાનીમાં ત્રીજા ક્રમે રહી હતી.
2019ની 12મી સિઝનમાં રાજસ્થાનની જે તાકાત છે તે જ તેની નબળાઇ પણ
રાજસ્થાન રોયલ્સને આઇપીએલની 12મી સિઝનમાં 11 વર્ષ પછી ટાઇટલ જીતવાની આશા જાગી છે. રાજસ્થાને આ સિઝન માટે કેટલાક પ્રતિભાશાળી ખેલાડીને પોતાની ટીમમાં સમાવ્યા છેં. રાજસ્થાન રોયલ્સ માટે તેના વિદેશી ખેલાડી સૌથી મોટી તાકાત છે. ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સ અને જોસ બટલરની સાથે જ વેસ્ટઇન્ડિઝનો આસાને થોમસની સાથે જ ઇંગ્લેન્ડના બોલર લિયામ લિવિંગસ્ટોનનો તેમણે ટીમમાં સમાવેશ કર્યો છે. આ ઉપરાંત એશ્ટન ટર્નર પણ તેમની ટીમમાં છે. ઇંગ્લેન્ડનો જ ઓલરાઉન્ડર જોફ્રા આર્ચર પણ તેમની ટીમમાં છે. આ તમામ ખેલાડીઓ એકલા હાથે મેચ જીતાડે તેવી કાબેલિયત ધરાવે છે. પણ રાજસ્થાન માટે તેમની આ તાકાત જ મોટી નબળાઇ છે. કારણ ટીમ વિદેશી ખેલાડીઓ પર વધુ પડતી નિર્ભર રહે છે.
ઇંગ્લેન્ડના ખેલાડી અડધી સિઝન પછી ઘરભેગા થશે તે પણ ચિંતાનો વિષય
રાજસ્થાન રોયલ્સ માટે સૌથી મોટી ચિંતા એ છે કે તેના મોટાભાગના વિદેશી ખેલાડીઓ આગામી વર્લ્ડ કપની તૈયારી માટે આઇપીએલની સિઝન ચાલુ હશે તે દરમિયાન જ સ્વદેશ ભેગા થઇ જશે. ઇંગ્લેન્ડના જોસ બટલર, બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચર ટીમનો સાથ અડધી સિઝન પતે નહીં તે પહેલા છોડીને ઇંગ્લેન્ડ ભેગા થઇ જશે,. તો ઓસાને થોમસ પણ વેસ્ટઇન્ડિઝ જવા રવાના થઇ જશે. તે પછી રાજસ્થાનની ટીમ શું કરશે. સંભવતઃ સ્ટીવ સ્મીથ પણ ઓસ્ટ્રેલિયા પરત ફરી શકે છે. આ સ્થિતિમાં રાજસ્થાને જેમ બને તેમ શરૂઆતની મેચોમાં તેમનો ઉપયોગ કરીને વધુમાં વધુ મેચ જીતી લેવી જોઇએ.