ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30મી જૂનથી શરૂ થઇ રહેલા આઇસીસી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ પ્રબળ દાવેદારોમાંથી એક છે. ભારતીય ટીમની મજબૂતાઇ તેનું ટોપ ઓર્ડર છે, જે વિશ્વમાં સૌથી સારું છે. સાથે જ મિડલ ઓર્ડર પણ મજબૂત જણાય છે, જ્યારે બોલિંગ પણ આક્રમક છે. ટીમનું સુકાન વિરાટ કોહલીના હાથમાં છે અને તેની પાસે ટીમમાં એવા ઘણાં ખેલાડી છે જે એકલા હાથે ટીમને જીતાડી શકે છે. અહીં એવા 3 ખેલાડીઓની વાત કરીએ જે કોહલી અને ટીમ ઇન્ડિયા માટે એક્સ ફેક્ટર સાબિત થઇ શકે છે.
કેએલ રાહુલ
ભારતીય ટીમમાં રિઝર્વ ઓપનર તરીકે સામેલ કરાયેલા કેએલ રાહુલના આઇપીએલના ફોર્મને ધ્યાને લેતા એવું માની શકાય છે કે તેને સંભવતઃ વર્લ્ડ કપમાં ચોથા ક્રમે બેટિંગમાં ઉતારવામાં આવી શકે છે. ઘણા માજી ખેલાડીઓનું માનવું છે કે ટીમના આ સ્લોટ પર રાહુલની રમત એકદમ યોગ્ય છે અને આ ટુર્નામેન્ટ તેની કેરિયર માટે મહત્વની પુરવાર થઇ શકે છે. રાહુલે આઇપીએલમાં એક સદી અને 6 અર્ધ સદી સાથે 135.38ની સ્ટ્રાઇક રેટ સાથે 593 રન બનાવ્યા છે, તે એકલા હાથે મેચનું પાસું પલટાવી શકે તેમ છે.
હાર્દિક પંડ્યા
હાલના દિવસોમાં હાર્દિક પંડ્યા એક પાવર હિટર બેટ્સમેન તરીકે સામે આવ્યો છે અને તેનો નમુનો તેણે આઇપીએલમાં બતાવી દીધો છે. વર્લ્ડ કપમાં પંડ્યા ઇંગ્લેન્ડની સપાટ પીચો પર મોટા શોટ ફટકારી શકે છે. સાથે જ તેની બોલિંગમાં પણ ઘણો સુધારો આવી ગયો છે અને તેની પાસે કેપ્ટન કોહલી પાંચથી સાત ઓવર ફેંકવાની આશા રાખી શકે છે. વળી તે ફિલ્ડર તરીકે પણ જોરદાર છે. પંડ્યાએ આઇપીએલમાં 44.66ની એવરેજે 402 રન બનાવ્યા અને બોલિંગમાં તેણે 14 વિકેટ ઉપાડી હતી. બોલને સ્ટ્રાઇક કરવાની તેની કાબેલિયત તેને બધાથી અલગ પાડે છે.
જસપ્રીત બુમરાહ
હાલના સમયમાં ભારતીય ક્રિકેટ ટીમનો સર્વશ્રેષ્ઠ બોલર ગણાતો જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડની સપાટ પીચો પર પણ પોતાના વેરિએશનથી કમાલ બતાવી શકે છે. તે એક એવો બોલર છે જે ઇકોનોમી સાથે બોલિંગ કરવા ઉપરાંત બોલની સ્પીડ અને તેના પર અંકુશ કરવાની કાબેલિયત ધરાવે છે. વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતા ડેથ ઓવર બોલર્સની યાદીમાં તેને ટોચના સ્થાને મુકવો પડે. તેની બોલિંગ ભલભલા બેટ્સમેનને છક્કડ ખવડાવી શકે તેવી છે. આઇપીએલમાં 16 મેચમાં 19 વિકેટ લઇને તેણે પોતાની ઉપયોગીતા સાબિત કરી દીધી છે.