અફઘાનિસ્તાને ઝોહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટના પાંચમા દિવસે યજમાન બાંગ્લાદેશને 224 રને હરાવીને ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક ઐતિહાસિક જીત મેળવી હતી. મેચમાં અફઘાનિસ્તાનના યુવા કેપ્ટન રાશિદ ખાને પોતાનો કમાલ બતાવી પહેલા દાવમાં 5 અને બીજા દાવમાં 6 મળીને કુલ 11 વિકેટ ઉપાડવાની સાથે બેટિંગમાં અર્ધસદી પણ ફટકારી હતી અને તેના આ પ્રદર્શનને કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
અફઘાનિસ્તાને પોતાના પહેલા દાવમાં 342 રન બનાવ્યા હતા અને તેની સામે બાંગ્લાદેશની ટીમનો પહેલો દાવ 205 રને સમેટાયો હતો. તે પછી 137 રનની સરસાઇ મેળવી બીજા દાવમાં અફઘાનિસ્તાને 260 રન બનાવીને બાંગ્લાદેશ સામે 398 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેની સામે યજમાન ટીમ પોતાના ઘરઆંગણે 61.4 ઓવરમાં 173 રને તંબુભેગી થઇ જતાં અફઘાનિસ્તાનનો 224 રને વિજય થયો હતો.
અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવી કરી ઓસ્ટ્રેલિયાની બરોબરી
અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ 224 રને જીતી લેવાની સાથે ટેસ્ટ ક્રિકેટની દિગ્ગજ ટીમ એવી ઓસ્ટ્રેલિયન ટીમની બરોબરી કરી હતી. હકીકતમાં અફઘાનિસ્તાનની આ ત્રીજી ટેસ્ટ હતી અને તેમાં તેણે આ સાથે બીજો વિજય મેળવીને પોતાની પ્રથમ 3 ટેસ્ટમાંથી 2 જીતવા મામલે ઓસ્ટ્રેલિયાની બરોબરી કરી છે. ઓસ્ટ્રેલિયા 1977થી 1979 સુધીમાં રમેલી 3 ટેસ્ટમાંથી પોતાની પહેલી ટેસ્ટ જીત્યા પછી બીજી હારીને ત્રીજી જીત્યું હતું. જ્યારે અફઘાનિસ્તાને 2018થી 2019 દરમિયાન રમેલી 3 ટેસ્ટમાંથી પહેલી હાર્યા પછી બાકીની બે ટેસ્ટ જીતી છે.