અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે અંડર-૧૯ એશિયા કપમાં ચેમ્પિયન બની ઇતિહાસ રચી દીધો છે. ટાઇટલની પ્રબળ દાવેદાર માનવમાં આવી રહેલી પાકિસ્તાનની ટીમને અફઘાનિસ્તાને ફાઇનલમાં ૧૮૫ રને કારમો પરાજય આપ્યો હતો. અફઘાનિસ્તાનની ટીમે વિકેટકીપર ઇકરામ ફૈઝીની સદીની મદદથી પ્રથમ બેટિંગ કરતાં ૫૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવી ૨૪૮ રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ ૨૨.૧ ઓવરમાં ૬૩ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઝાદરાને ૭.૧ ઓવરમાં ૧૩ રન આપી પાંચ વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાનના બેટ્સમેનોનું પ્રદર્શન એટલું નિરાશાજનક હતું કે, ટીમના નવ ખેલાડીઓ ડબલ ફિગરે પણ પહોંચી શક્યા નહોતા. પાકિસ્તાન તરફથી મોહંમદ તાહાએ ૧૯ અને કેપ્ટન હસન ખાને ૧૦ રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાને સેમિફાઇનલમાં નેપાળને પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યારે પાકિસ્તાનની ટીમે ડકવર્થ લુઇસના નિયમ પ્રમાણે બાંગ્લાદેશને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ૧૦૭ રન બનાવી અણનમ રહેલા અફઘાનિસ્તાનના વિકેટકીપર ઇકરામ ફૈઝીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
સમગ્ર સિરીઝની પાંચ મેચમાં કુલ ૨૦ વિકેટ ઝડપનાર રાઇટ આર્મ ઓફ બ્રેક બોલર મુજીબ ઝાદરાનને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. મુજીબે પાકિસ્તાન સામેની પ્રથમ લીગ મેચમાં છ વિકેટ ઝડપી હતી. તે મેચમાં પણ પાકિસ્તાનની ટીમ અફઘાનિસ્તાન સામે માત્ર ૫૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા સામે એક અને યુએઈ સામે બે વિકેટ ઝડપી હતી. સેમિફાઇનલમાં નેપાળ સામે તરખાટ મચાવતાં છ વિકેટ ઝડપી હતી. ફાઇનલમાં મુજીબે પોતાની વેધક બોલિંગનો પરચો આપતાં પાંચ વિકેટ ઝડપી અફઘાનિસ્તાનને ચેમ્પિયન બનાવી હતી.