ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ થોડા દિવસ પહેલા જ એવું કહી દીધું હતું કે જ્યાં સુધી આગામી વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડની ટિકીટ મેળવવાનો સંબંધ છે તો તેનો રસ્તો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) થઇને તો પસાર નથી જ થતો., અને મોટા ભાગે ભારતીય ટીમ નક્કી જ છે. કેપ્ટનનો કહેવાનો આશય માત્ર એટલો જ હતો કે આઇપીએલની 12મી એડિશનમાં ઉમદા પ્રદર્શન વડે કોઇ ખેલાડી પસંદગીકારોનું ધ્યાન ખેંચી નહીં શકે.
જો કે ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં ભારતીય ટીમ 3-2થી પરાજીત થઇ તે પછી સ્થિતિ એવી સર્જાઇ છે કે પ્લેઇંગ ઇલેવન અને બેટિંગ ઓર્ડર સંબંધે ઘણા સવાલોના જવાબો શોધવા પડે તેવું છે અને તેના કારણે ઘણાં ખેલાડીને એવું લાગે છે કે તેમના માટે વર્લ્ડકપ માટેની ટીમના દરવાજા બંધ નથી થઇ ગયા. તેમાં સૌથી મોટો કોયડો ચોથા ક્રમના બેટ્સમેનનો છે. આવા સમયે અજિંકેય રહાણે, ઋષભ પંત અને પૃથ્વી શો ઉપરાંત દિનેશ કાર્તિક લંડન ડ્રીમ્સ સાકાર કરવાની ઇચ્છા ધરાવતા થયાં છે.
અજિંકેય રહાણેની નજર ચોથા ક્રમના બેટિંગ સ્થાન પર
વર્લ્ડ કપ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ચોથા ક્રમના બેટ્સમેન મામલે ચર્ચાઓ ઉગ્ર બની રહી છે. આ ક્રમ પર અંબાતી રાયડુને સૌથી વધુ તક મળી છે, પણ તેના પ્રદર્શનમાં એવી નિરંતરતા નથી. કેટલીક ઇનિંગને જો બાકાત કરી દો તો તેના પર વિશ્વાસ જાગતો નથી. આવા સમયે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સના ખેલાડી અજિંકેય રહાણે આ ક્રમ પર પોતાની નજર સ્થિર કરીને બેઠો છે અને તેને એવું લાગે છે કે આ સ્થાન તે પોતે ભરી શકે છે. તેના મતે જો આઇપીએલમાં સારું પ્રદર્શન કરશે તો વર્લ્ડકપની ટીમમાં તેનું નામ સામેલ થઇ શકે છે.
ઋષભ પંત માટે દરવાજા બંધ તો નથી જ
ઓસ્ટ્રેલિયા સામેની હાલની બે વનડેમાં વિકેટ પાછળ અને બેટ વડે યોગ્ય પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલા ઋષભ પંતને સ્થાને દિનેશ કાર્તિકને વલ્ડર્કપની ટીમમાં સામેલ કરવાની માગ ઉઠી રહી છે, જો કે ધોની પછી ટીમના બીજા વિકેટકીપર તરીકે પંતનો દાવો મજબૂત છે, તેનું કારણ છે, ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં તેનું પ્રદર્શન. આગામી આઇપીએલમાં પંત અને કાર્તિક દમદાર પ્રદર્શન કરવા માગશે અને તેના આધારે બંને ટીમના બીજા વિકેટકીપર તરીકે સ્થાન મેળવવા જોર લગાવશે.
પૃથ્વી શોની ઇચ્છા બેકઅપ ઓપનર તરીકે સ્થાન મેળવવાની
ઇજા અને ગેરશિસ્ત વચ્ચેની મિસ્ટ્રી સામે ઝઝુમી રહેલા યુવા ઓપનર પૃથ્વી શો ખોટા સમયે ઓસ્ટ્રેલિયા પ્રવાસેથી પાછો ફર્યો હતો. જો એમ ન થયું હોત તો આજે તે ટીમમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી ચુક્યો હોત. હવે આ પ્રતિભાશાળી ઓપનર આઇપીએલમાં ધમાલ મચાવીને વર્લ્ડકપ માટેની ટીમમાં બેકઅપ ઓપનર તરીકે સ્થાન મેળવવાની ઇચ્છા ધરાવે છે. આમ તો શિખર ધવન અને રોહિત શર્માની જોડીને હાલમાં ટીમ મેનેજમેન્ટ છંછેડવા નહી જ માગે પણ લાંબા સમયગાળાને ધ્યાને લઇને રિસ્ક ફેક્ટર પણ વિચારીને ચાલવું પડે છે. પૃથ્વી દિલ્હી કેપિટલ્સ વતી પણ ઓપનર તરીકે જ રમશે.