ભારતીય ક્રિકેટ ટીમના માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય સૈન્યની ટેરિટોરિયલ આર્મીની ટ્રેનિંગ લેવા માટે કરેલી અરજી સ્વીકારી લેવામાં આવી છે. ધોનીએ વેસ્ટઇન્ડિઝ પ્રવાસ માટે પોતે ઉપલબ્ધ ન હોવાની વાત કરીને ભારતીય સૈન્યમાં ટ્રેનિંગની મંજૂરી માગી હતી. આર્મી ચીફ બિપીન રાવતે ધોનીને તેના માટે મંજૂરી આપી દીધી છે.
આર્મી ચીફ બિપીન રાવતે મંજૂરી આપી દીધા પછી હવે ધોની પેરાશુટ રેજિમેન્ટ બટાલિયનની સાથે બે મહિનાની ટ્રેનિંગ લેશે. ધોનીની આ ટ્રેનિંગ જમ્મુ-કાશ્મીરમાં થઇ શકે છે. જો કે ધોનીને કોઇ પણ ઓપરેશનમાં હિસ્સો બનાવવામાં નહીં આવે. ધોની ટેરિટોરિયલ આર્મીની 106 ઇન્ફ્રેન્ટ્રી બટાલિયનનો સભ્ય છે, જે હાલમાં કાશ્મીરમાં સ્ટેટિક ડ્યુટી પર તૈનાત છે.
એ ઉલ્લેખનીય છે કે ધોની ટેરિટોરિયલ આર્મીની પેરાશુટ રેજીમેન્ટમાં માનદ લેફ્ટનન્ટ કર્નલની પદવી પણ ધરાવે છે. 2011માં ઇન્ડિયન ટેરિટોરિયલ આર્મીમાં ધોનીને લેફ્ટનન્ટ કર્નલની માનદ રેન્ક આપવામાં આવ્યો હતો. ધોની પહેલા પણ 2015માં ટેરિટોરિયલ આર્મીની ટ્રેનિંગ લઇ ચુક્યો છે.