નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં સમાપ્ત થયેલ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન સિડનીમાં યજમાન ટીમ (ઓસ્ટ્રેલિયા)ના ખેલાડીઓ સાથે લિફ્ટમાં પ્રવેશવાની મંજૂરી ન હોવાનો અનુભવ ભારતીય ઓફ- સ્પિનર રવિચંદ્રન અશ્વિને જાહેર કર્યો છે.
અશ્વિને ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્ડિંગ કોચ આર શ્રીધર સાથે યુટ્યુબ ચેનલ પરની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, “સિડની પહોંચ્યા પછી તેઓએ અમને કડક પ્રતિબંધો સાથે બંધ કરી દીધા. સિડનીમાં એક અનોખી ઘટના બની. સાચુ કહું તો તે વિચિત્ર હતું. બંને ભારત અને ઓસ્ટ્રેલિયા એક જ બાયોબબલમાં હતા, પરંતુ જ્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ લિફ્ટમાં હતા ત્યારે તેઓએ ભારતીય ખેલાડીઓને લિફ્ટમાં પ્રવેશવા દીધા ન હતા.”
અશ્વિને ઉમેર્યું, “ખરેખર, અમને તે સમયે ખૂબ જ ખરાબ લાગ્યું. અમે એક જ બાયો બબલમાં છીએ. પણ તમે લિફ્ટમાં બેસો અને તે જ બબલમાં રહેતા અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે તમે લિફ્ટ શેર કરી શકતા નથી. અમારા માટે તેને પચાવવું ખૂબ મુશ્કેલ હતું.”
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રમાયેલી ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર બોલિંગ કરતી વખતે અશ્વિને 12 વિકેટ ઝડપી હતી. સિડની ટેસ્ટમાં હનુમાન વિહારીની સાથે તેણે પણ ભારતને હારથી બચાવ્યું. જોકે, પીઠના દુખાવાના કારણે તે શ્રેણીની ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ ન હતો.